કોરોના સંબંધિત તત્ત્વજ્ઞાાન
- મહામારી માનવ સંસ્કૃતિ અને સભ્યતાને કસોટીની એરણ પર ચડાવે છે
રોગચાળો ફક્ત મેડિકલ સમસ્યા છે એવું માર્ચ મહિનાની શરૂઆતમાં આપણે માનતા હતા. હવે બધાને સમજાયું છે કે રોગચાળો ફક્ત ચિકિત્સાપદ્ધતિ સંબંધિત સમસ્યા નથી હોતી. મહામારી માનવ સંસ્કૃતિ અને સભ્યતાને કસોટીની એરણ પર ચડાવે છે. સમગ્ર વિશ્વના ઘણા ચિંતકો હવે એ તારણ પર આવ્યા છે કે મનુષ્ય જાતિએ હાંસિલ કરેલી રિદ્ધિસિદ્ધિઓ અને અભિમાન લેવા જેવી પ્રાપ્તિઓ આજે ખૂણામાં લપાઈને બેસી ગઈ છે. રોગચાળા ઉપર ઘણાં પુસ્તકો લખાયા છે એમાંથી એક પુસ્તકના લેખક ફ્રેન્ક સ્નોડેન છે જેમણે 'રોગચાળો અને સમાજ ઃ બ્લેક ડેથથી આજ સુધી' નામનું પુસ્તક લખ્યું છે. તેઓ માને છે કે દરેક મહામારી તેની આગવી લાક્ષણિકતા ધરાવે છે અને જ્યારે તે મહામારી ઓસરે છે ત્યારે માનવ સભ્યતા વિશે ઘણું બધું અકથ્ય કહી જાય છે. કોરોના જ્યારે પણ વિદાય લેશે ત્યાં સુધીમાં માનવજાતની વર્તમાન આવૃત્તિને પૂરેપૂરી બેનકાબ કરીને જશે.
માત્ર મનુષ્ય જ નહિ, આખે આખા દેશો અને એના વડાઓ પણ સંપૂર્ણ બેનકાબ થશે. ઘણું નવું અને અકલ્પિત સત્ય જે તળિયે તો દાયકાઓથી હતું એ સપાટી પર આવશે. વ્યક્તિગત ધોરણે જુઓ તો આપણા અંતઃકરણ આપણા કપાળે પ્રગટ લખાઈ જશે જેને સહુ વાંચી શકશે. કપાળ પરના તિલક-ચાંલ્લાની સંગતમાં સત્યનું પણ આસન હશે. આ જ લેખક એવું પણ કહે છે કે આ પુસ્તક લખવા માટે જે સંશોધન કરવું પડે તેના માટે વિશ્વભ્રમણ કરવું પડયું હતું. તેની સંશોધનક્રિયા દરમિયાન જ તેને આભાસ થયેલો કે વિશ્વ બહુ જલ્દી એક મહા ભયંકર રોગચાળાની પકડમાં આવી જવાનું છે. પરંતુ એ આભાસને તેમણે અવગણ્યો હતો અને નક્કર સાબિતીના અભાવે એવી ભવિષ્યવાણી કરવાનો ઉલ્લેખ ટાળ્યો હતો. લેખકને જે આભાસ થયો હતો તે એ હતો કે કોઈ રોગ આટલી જલ્દી દુનિયાની પથારી ફેરવી શકે છે. આપણે જેવી દુનિયાનું ગઠન કર્યું છે તે વિષાણુઓના ફેલાવા માટે બહુ જ સરળ, એને અનુકૂળ અને સંવેદનશીલ છે.
ઓગણીસમી સદીમાં જે જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ તેણે ખાદ્ય પદાર્થો અને પંખીઓ દ્વારા ફેલાતા રોગોને વેગ આપ્યા હતા. એટલે જ ટાઇફોઇડ, કમળો લાખો લોકોને થતા. અત્યારની પરિસ્થિતિ જુદી છે. મનુષ્યોની આબાદી વધતી જાય છે અને કોન્ક્રીટના અડાબીડ જંગલો જેવા મહાનગરો જમીનમાર્ગે પોતાની ભૌતિક હયાતી ફેલાવતા જાય છે. વળી તે આકાશમાર્ગે પણ વધતા જાય છે. માનવ વિકાસના પર્યાયરૂપે જ પર્યાવરણનું નિકંદન નીકળી રહ્યું છે. સરકાર કે પ્રજા કોઈ પણ એકમ પર્યાવરણ વિશે જાનામિ પર્યાવરણમ્ ન ચ મે પ્રવૃત્તિ જેવી હાલતમાં છે. આ સ્ફોટક સંજોગો વચ્ચે જ કોરોના નામનો વિસ્ફોટ થઈ ગયો. જૈવ વૈવિધ્ય ધરાવતા પ્રાણીઓના આવાસો ઉપર આપણે હસ્તક્ષેપ કર્યો તો પ્રાણીસૃષ્ટિના એક વાઇરસે માનવજાતને જાણે બંદૂકના નાળચા સમક્ષ લાવીને રાખી દીધી. કર્મનો સિદ્ધાંત પર્યાવરણમાં પૂર્ણતઃ લાગુ પડતો હોય છે, આ એની મોટી સાબિતી છે. ફક્ત કોરોના જ નહીં, સાર્સ, એવીએન ફલ્યુ, ઇબોલા અને મર્સ જેવા રોગચાળાને પણ આ જ સૂચિમાં ગણવા રહ્યા.
ચોવીસ કલાક હવાઈ મુસાફરી ચાલુ રહે છે. જે બિમારી સવારે ઇન્ડોનેશિયામાં હોય તે રાતે અમેરિકા પહોંચી ગઈ હોય. શું આ બિમારીઓ વિશ્વ રાજકારણમાં ફેરફાર લાવશે? ઇતિહાસ તો સાક્ષી છે કે રોગચાળાએ સરકારો પછાડી છે અને નવી સરકારો બનાવી છે. ભૂતકાળમાં અમુક દેશોમાં યેલો ફિવર પછી સ્વતંત્રતાના આંદોલનો શરૂ થયેલા. તુર્કીના નોબેલ વિજેતા ફિલસૂફ ઓરહાન પામુક કહે છે કે જુદા જુદા રોગચાળાઓમાં અદભુત સમાનતા હોય છે, પછી તે કોલેરા હોય કે પ્લેગ કે કોરોના વાયરસ. સૂક્ષ્મ જીવો પણ બધા રોગચાળામાં એક જેવા જ હોય છે અને સરકારની પ્રતિક્રિયાઓ પણ. યુગો બદલાય છે, નવો પવન નવા વૈચારિક પ્રવાહોને લઈ આવે છે પણ માણસ જાતની ભૂલો બદલાતી નથી. દરેક ભૂલના વિષમ પરિણામો ભોગવ્યા પછી પણ ભૂલોનું પુનરાવર્તન ચાલુ જ રહે છે અને એ જ બતાવે છે કે માણસ પોતાની બુદ્ધિના ચમકારામાં જ રમમાણ છે, એની અમલવારીમાં તે એક ટકોય આગળ ધપી શક્યો નથી, જેની એકીકૃત ફલશ્રુતિ આવી મહામારીઓ છે.
સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરની સરકારોએ પહેલા તબક્કામાં તો નન્નો જ ભણ્યો કે વાયરસથી બીક રાખવા જેવી નથી. ડોનાલ્ડ ટ્રમ્પ જેવા પ્રમુખે તો અસત્ય ઉચ્ચારવામાં ઓલિમ્પિક ગોલ્ડ જીતેલો હોય એવું જ લાગે. અમેરિકી વિચારક નોઆમ ચોમસ્કી પણ કોરોના મહામારીને ગંભીર સમસ્યા માને છે અને વધુમાં કહે છે કે અત્યારે જે પ્રકારે વૈશ્વિક રાજકારણ સ્થપાયું છે એ મુજબ રોગચાળા ઉપરાંત એટમિક યુદ્ધ, ખતરનાક ગ્લોબલ વોમગનો નવો પ્રભાવ કે વિવિધ દેશોની લોકશાહી પ્રણાલિકા પણ ખતરામાં પડી શકે. તે બધા ભય બુનિયાદી અને વાસ્તવિક છે. ઇતિહાસકાર અને જાણીતા લેખક યુવાલ નોઆ હરારીનું માનવું છે કે કોરોના એક મોટી આપદા જરૂર છે પરંતુ તેની સામે લડી શકાય એમ છે. એના માટે આખી દુનિયામાં એકતા જરૂરી છે પણ રાજનેતાઓ દોષારોપણની એમની પ્રિય રમતમાંથી નવરા થવા જોઈએ.