ક્યા સે ક્યા હો ગયા ! : કોરોનાએ દુનિયાના પ્રશ્નપત્રોમાં હળવેકથી પ્રવેશ કર્યો ને બધુ ઠપ્પ થઈ ગયું
- કોરોના વાયરસે દુનિયાના મહાકાય અર્થતંત્રો અને વિરાટ યંત્રોને ચપટીમાં થંભાવી દીધા
એકવીસમી સદીમાં ટેકનોલોજી અને આધુનિકતાની પાંખે ઊડાન ભરી રહેલા ઊદ્યોગ જગત અને અર્થતંત્ર માટે સ્વપ્નની ક્ષિતિજોને હાંસલ કરવી હાથવેંતમાં જ હતી. બધું જ ગણિતના કોકોમાં ગોઠવ્યા મુજબ જ આગળ વધી રહ્યું હતુ અને બૌદ્ધિકો પોતાના પૂર્વાનુમાનોને પથ્થર પરની લકીર ગણાવીને રોફ મારી રહ્યા હતા, ત્યારે જ આઉટ ઓફ સબ્જેક્ટ જેવા કોરોનાએ દુનિયાના પ્રશ્નપત્રોમાં હળવેકથી પ્રવેશ કર્યો ને બધુ ઠપ્પ થઈ ગયું. એક નરી આંખે જોઈ પણ ન શકાય તેવા વાયરસે દુનિયાના મહાકાય અર્થતંત્રો અને વિરાટ યંત્રોને ચપટીમાં થંભાવી દીધા. ત્યારથી દુનિયામાં ઊહાપોહ મચી ગયેલો છે. હજુ પણ પરિસ્થિતિ પૂર્ણતઃ થાળે પડી નથી, પણ અડધે રસ્તે અટવાયેલા વાહનને ગમે તેમ ચાલુ તો કરવું જ રહ્યું, એટલે હવે દુનિયાના અર્થતંત્રો મસમોટા આર્થિક પેકેજોનું ઈંધણ નાંખીને ઈકોનોમીને રિસ્ટાર્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે. ભારત જેવા અત્યંત જટિલ સંરચના ધરાવતા વૈવિધ્યસભર દેશમાં કોરોનાએ મચાવેલા ઉત્પાતના કારણે સર્જાયેલા વલયોના વિસ્તૃત પ્રભાવો દેખાવાની હવ જ ખરેખરી શરુઆત થઈ છે.
આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવાને બદલે કૂવો ખોદવાની એડવાન્સ જાહેરાત કરવાથી જનઆક્રોશથી બચી શકાય છે, તેવા આધુનિક શાસનતંત્રના મંત્ર અનુસાર મિસ્ટર મોદી અને તેમના જ સૂરમાં તાલ પૂરાવનારા ઈકોનોમિક સલાહકારોએ, રાજ્યોમાં ચાલતા જોડ-તોડના રાજકારણની ફોર્મ્યુલાને આધારે અર્થતંત્રમાં પણ હજારો કરોડનો વરસાદ કર્યો હોવાનો ઢોલ વગાડી દીધો છે. હજુ તો માત્ર જાહેરાત જ થઈ તેની સાથે ચારેબાજુથી શાબાશીનો એવો તો આત્મરતિ પ્રચાર ચલાવવામાં આવ્યો કે કોરોનાને કારણે કિં કર્તવ્ય મૂઢ બનેલા સામાન્ય નાગરિકને કંશુંક સારુ થઈ રહ્યું હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. જો કે કોરોનાની આર્થિક અસરોના દૂરોગામી પરિણામો પર સૌથી પહેલી નજર દૂર બેઠેલાની પડે એ ન્યાયે વિદેશી રેટિંગ એજન્સીઓ માત્ર ભારત જ નહી આખા વિશ્વના ભાવિને લઈને ચિંતિત બની છે. વિદેશમાં એક વાતની રાહત એ છે કે, આવનારી આપદાની ભવિષ્યવાણી કરનારને તેઓ ધુત્કારતા નથી પણ આર્ષદ્રષ્ટા કહીને માથે બેસાડે છે, ચાહે છે.
વૈશ્વિક અર્થકારણમાં આગવી શાખ ધરાવતા આંતરરાષ્ટ્રીય મોનિટરી ફંડે પોતાના જ અંદાજિત આંકડામાં સુધારા કરતાં કબૂલ કર્યું કે, કોરોનાના પ્રભાવને આંકવામાં અમે ભૂલ કરી હતી. આ મહામારીના કારણે આવનારી મંદીની વ્યાપક અસર પડશે અને તેના માટે ઊદ્યોગોએ તૈયારી કરવાની જરુર છે. વિશ્વ બેંક અને ઓર્ગેનાઈઝેશન ઓફ ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ પણ કહી રહ્યા છે કે યુદ્ધ સિવાયના સમયમાં અત્યાર સુધીમાં આવેલી આ અત્યંત ભીષણ પરિસ્થિતિ છે. આંતરરાષ્ટ્રીય સ્તરની આર્થિક તજજ્ઞાો અને અર્થવિદોથી સભર સંસ્થાઓની ચિંતાજનક ચેતવણીઓને પગલે દુનિયાભરના રાષ્ટ્રોએ કમર કસવા માંડી છે. યુરોપ-અમેરિકાથી લઈને એશિયા-ઓસ્ટ્રેલિયા અને લેટિન અમેરિકા જેવા વિસ્તારોમાં દરેક દેશો પોતાના અર્થતંત્રને કોરોનાની કાતિલ અસરથી બચાવવા માટે પ્રયત્નશીલ છે. ભારતમાં પણ ઉદ્યોગજગતને માટે આત્મનિર્ભર પેકેજની જાહેરાત થઈ ચૂકી છે. આત્મનિર્ભર શબ્દનો એક સંકેત એ પણ છે કે, વેપારીએ કોઈની પર પણ (એટલે સરકાર પર પણ) આધાર રાખવાને બદલે આત્મનિર્ભર બનવાની જરુર છે.
કોરોનાના કારણે દેશના અર્થતંત્રના જે પૈડાં જમીન પર દોડી રહ્યા હતા, તે અભિશાપિત કર્ણના રથની જેમ ઊંડે ઉતરવા લાગ્યા છે. લાખ્ખો શ્રમજીવીઓ પોતાના પરિવારને બચાવવા માટે વતનમાં પાછા ફર્યા છે, જેના કારણે ઉદ્યોગોની આધુનિક મશિનરી પણ કુશળ કારીગરો વિના સૂની પડી છે. કોરોનાએ ઉદ્યોગો અને અર્થતંત્રને અચાનક જ એવી બ્રેક લગાવી છે કે હવે તેને ફરી દોડતી કરવામાં સમય લાગશે તે નક્કી છે. જે ગતિથી શ્રમિકોને વતન તરફ દોટ લગાવી હતી, તે ગતિ અને સંખ્યામાં તેઓ પરત ફરશે તેમ કહેવું અતિશયોક્તિ ભરેલું છે. હાલ જેઓ જ્યાં છે, ત્યાં જ તેમને રોજગાર આપવામાં આવે તેવા પ્રયાસ થઈ રહ્યા છે. બીજી તરફ મોટા ઉદ્યોગોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના અમલની સાથે કુશળ કામદારોની ખોટને કારણે ઉત્પાદન પર અસર પડશે તે સ્પષ્ટ છે.
બજારના રાજાને પણ હવે એ ખબર પડી ગઈ છે કે, વિકાસની વાટે ગમે ત્યાં પહોંચ્યા હોઈએ પણ બધુ બંધ થઈ જતાં પળવારનો વિલંબ થતો નથી, જેના કારણે ગ્રાહકની ખરીદશક્તિ અને વાસ્તવિક ખરીદીની વચ્ચે અંતર આવી ગયું છે. આ અંતર એક ખાઈ છે. જરુરિયાતો પર લગામ રાખવાનું લોકડાઉને શીખવી દીધું છે અને ગ્રાહકોને મળેલી આ નવી શીખની અસર બજારમાં વેચાણના આંકડા પર જોવા મળે છે અને મળશે તે નક્કી છે.