શ્રમ કાનૂન પરિવર્તન : મજુર સંબંધિત કાયદામાં ધરખમ ફેરફાર
વિવિધ રાજ્ય સરકારો હાલ ઉદ્યોગો માટે શ્રમસુધાર એટલે કે મજુર સંબંધિત કાયદામાં ધરખમ ફેરફાર કરી રહી છે. આ સુધારણાઓ એક રીતે તો માણસને મશિન બનાવવાની જ કવાયત છે. જે રીતે મજુર કાયદાઓનો વાસ્તવિક અમલ પૂરેપૂરો તો દેશમાં થતો ન હતો એ રીતે નવી સુધારણાઓનો અમલ પણ પૂરેપૂરો તો થવાનો નથી. ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા પ્રમુખ ઔદ્યોગિક રાજ્યોમાં એમની રાજ્ય સરકારોએ ઉદ્યોગપતિઓના અતિ અને કામદારોના અલ્પ હિતમાં આ સુધારણાઓ કરી હોવાનું મજૂર સંગઠનોના વડાઓનું કહેવાનું છે. રાજ્ય સરકારોનો હેતુ જો કે ઔદ્યોગિક સ્થગિતતાને દૂર કરવાનો અને દોઢગણી શિફ્ટમાં કામદારો પાસેથી કામ લઈને દેશના અર્થતંત્રને બેઠું કરવાનો છે. બીજા વિશ્વયુદ્ધ પછી જે રીતે જાપાનની પ્રજા અને વૈશ્વિક ઉદારમતવાદિતાનો પવન ફૂંકાયો ત્યારે એનો લાભ લેવા માટે જે રીતે ચીનની પ્રજા ધંધે લાગી હતી એ રીતે એટલે કે જાપાન અને ચીનની પ્રજાની જેમ ભારતીય કામદારો પણ કંઈક ચમત્કાર કરે એ હેતુથી રાજ્ય સરકારો મજુર કાયદાઓ બદલાવી રહી છે.
પરંતુ શું કામદારો પણ એમ ચાહે છે ખરા ? - એનો વિચાર કરવો એ રાજ્ય સરકારોને જરૂરી લાગતું નથી. લગભગ અર્ધબેહોશ દશા તરફ ધકેલાઈ રહેલી દેશની અર્થવ્યવસ્થાને પૂર્ણતઃ ભાનમાં લાવવા માટે રાજ્ય સરકારોએ કામદારો પર રોજનો નવો ચાર કલાકનો કાર્યબોજ લાદી દીધો છે. જો કે એ માટે કામદારોને ઓવર ટાઈમ ભથ્થા આપવામાં આવશે. અગાઉ માત્ર આઠ કલાક જ કામદારો પાસેથી કામ લેવાનો કાયદો હતો જે હવે બાર કલાકનો થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, અને ગુજરાતની ભાજપ સરકારોએ શ્રમ કાનૂનોમાં ફેરફાર કરવાનો મોટો ઉપાડો લીધો છે. ઉક્ત ત્રણેય રાજ્ય સરકારોએ દિલ્હીના ઈશારા પર જ આ ફેરફારો કર્યા હોય. કારણ કે આટલા ગંભીર ફેરફારો જાતે કરવાની તાકાત ત્રણમાંથી એકેય મુખ્યમંત્રીમાં નથી. આ ત્રણેય રાજ્યોને અનુસરીને આસામ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને ગોવાએ પણ આ દિશામાં કેટલાક નવા મહત્ત્વના નિર્ણયો જાહેર કર્યા છે.
દેશ આખો અત્યારે કોરોના અને તત્જનિત આર્થિક પછડાટમાંથી બહાર આવી ગયો છે. નવી ઊંચાઈ હાંસલ કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે એક પછી એક રાજ્યો દ્વારા થતા મજુર કાયદાના ફેરફારોનો પ્રભાવ લાંબાગાળા સુધી રહેશે. બિહાર અને અન્ય રાજ્યો પણ તેમના રાજ્યોના વર્તમાન મજુર કાયદા પર નવેસરથી વિચારવા લાગ્યા છે. ઉત્તર પ્રદેશ સરકારે જે વટહુકમ બહાર પાડયો છે એમાં કહેવામાં આવ્યું છે કે આગામી ત્રણ વરસ માટે પાંત્રીસ જેટલા મોટા ગજાના શ્રમ કાયદાઓ લાગુ નહિ થઈ શકે. અલબત્ત મહિલાઓ અને બાળકો સંબંધિત શ્રમ કાનૂનો યથાવત્ અસરકર્તા રહેશે. વટહુકમ પહેલા આદિત્યનાથે બહાર પાડયો એટલે એમ લાગે છે કે કામદારોના હિતોને અદ્ધર કરવાની શરૂઆત ઉત્તર પ્રદેશથી થઈ છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આવી બૌદ્ધિક કસરત સૌથી પહેલા મધ્યપ્રદેશની શિવરાજસિંહ સરકારે શરૂ કરી. તેમણે નવા ઉદ્યોગોને પોતાના રાજ્યમાં આકર્ષવા માટે શરૂઆતના હજારેક દિવસ માટે મહત્ શ્રમ કાનૂનોનો અમલ મોકૂફ રાખવાની વાત કરી હતી. પરંતુ એનો ત્વરિત અમલ આદિત્યનાથ સરકારે કર્યો.
પોતાનો સ્વાર્થ હોય એવા મોડેલની નકલ કરવામાં આદિત્યનાથને કોઈ જ સંકોચ થતો નથી. ઉત્તર પ્રદેશ સરકારે કુલ ૩૫ શ્રમ કાનૂનો જે કામદારોની સુખાકારી માટે બનાવવામાં આવ્યા હતા એને આઠ ઘડી વાળીને અભરાઈ પર મૂકી દીધા છે. એના પર હવે ધૂળના થર પર થર બાઝી જવાના છે. જો કે વિવિધ રાજ્ય સરકારોના આ નિર્ણયોએ હજુ એક વાર, કોઈ પડકારે ત્યારે, સર્વોચ્ચ અદાલતની આંટીઘૂંટી માંથી પસાર થવાનું રહેશે. કામદારો પાસેથી હવે દર સપ્તાહે બોંતેર કલાક કામ લેવાની અનુમતિ મળશે. મધ્ય પ્રદેશ સરકારે કુટિર ઉદ્યોગો અને નાના વેપારીઓને વિવિધ (રોજગાર, રજિસ્ટ્રેશન અને ઇન્સ્પેક્શન સંબંધિત ) કાયદાઓમાં ભરપુર છૂટ આપી છે. આસામ સરકારે પણ બાર કલાક કામ લેવાની છૂટ આપી દીધી છે. કામદારોને તો હજુ સુધી કોઈએ પૂછયું જ નથી કે એમને બાર કલાક કામ કરવું છે કે નહિ. આમ પણ એમનો અવાજ જ નથી અને હોય તો ક્યાં કોઈ સાંભળે છે ?