અયોધ્યાનગરના શાકમાર્કેટને મૂળ જગ્યાએ ખસેડવાની માંગ સાથે મહિલાઓનો હોબાળો
- શહેરના વઢવાણ 80 ફૂટ રોડ પર આવેલી
- લોકડાઉનના સમયમાં વહીવટી તંત્ર દ્વારા શાકમાર્કેટને અન્ય જગ્યાએ ખસેડાતા હાલાકી વેઠવી પડે છે
સુરેન્દ્રનગર, તા.04 જૂન 2020, ગુરુવાર
વઢવાણ ૮૦ ફુટ રોડ પર અયોધ્યાનગર શાક માર્કેટને પોતાની મુળ જગ્યાએ ખસેડવા શાકભાજીનું વેચાણ કરતાં વેપારીઓ અને મહિલાઓએ જિલ્લા કલેકટરને લેખીત રજુઆત કરી હતી અને મોટીસંખ્યામાં કલેકટર કચેરી ખાતે ઉમટી પડી હોબાળો કર્યો હતો.
આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ વઢવાણ ૮૦ ફુટ રોડ પર અયોધ્યાનગર શાક માર્કેટ આવેલ છે જ્યાં અંદાજે ૨૦ વર્ષથી બકાલાના વેપારીઓ પાથરણા પાથરી રંગીલા હનુમાન પાસે સાંજના સમયે બે કલાક માટે શાકભાજી તેમજ ફ્રુટનું વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
છેલ્લા ૨૦ વર્ષના સમયગાળા દરમ્યાન આ શાકભાજીના ધંધાર્થીઓ સામે કોઈ જ ફરિયાદ કે રજુઆત કરવામાં આવી હતી પરંતુ તાજેતરમાં અમુક શખ્સો દ્વારા વેપારીઓ સામે ખોટી અરજી કરવી ધંધો રોજગાર બંધ કરાવવા અને તે વિસ્તારમાં ધંધો નહિં કરવા ખોટી અરજીઓ કરી હતી જેના કારણે પોલીસ દ્વારા ખોટી રીતે હેરાન-પરેશાન કરી કનડગત કરવામાં આવે છે તેમજ લારીઓ તથા પાથરણાઓમાં ભરેલ શાકભાજીને પણ નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે.
હાલ લોકડાઉન બાદ કન્ટેઈનમેન્ટ ઝોન સીવાયના તમામ વિસ્તારોમાં સરકારે ધંધો અને રોજગારને છુટ આપવામાં આવી છે ત્યારે અયોધ્યાનગર વિસ્તાર કન્ટેઈનમેન્ટ ઝોનમાં ન આવતો હોવાથી દરેક શાકભાજીવાળાઓને રાબેતા મુજબ મુળ જગ્યાએ ધંધો કરવાની મંજુરી આપવામાં આવે તેમજ બીનજરૂરી કનડગત અટકાવવામાં આવે તેવી માંગ સાથે મોટીસંખ્યામાં શાકભાજીનું વેચાણ કરતી મહિલાઓ સહિત પુરૂષો કલેકટર કચેરી ખાતે ઉમટી પડયાં હતાં.
અને કલેકટર કચેરીએ હોબાળો કર્યા બાદ અધિક કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં સામાજીક સંસ્થાના દિવ્યાબેન વૈષ્ણવ સહિત સોનીયાબેન અને શાકભાજીના ધંધાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.