Get The App

પાન-મસાલા, બીડી-સિગારેટના હોલસેલના વેપારીઓ બંધબારણે કાળા બજાર કરે છે !

- પાટડીમાં છૂટક વેપારીઓની માઠી દશા

- દુકાનો ખોલવાની મંજૂરી છતાં બંધ રાખી રાત્રે મોંઘા ભાવે માલ વેચતા હોવાનું ખૂલ્યું

Updated: May 22nd, 2020

GS TEAM

Google News
Google News
પાન-મસાલા, બીડી-સિગારેટના હોલસેલના વેપારીઓ બંધબારણે કાળા બજાર કરે છે ! 1 - image

પાટડી, તા.22 મે 2020, શુક્રવાર

હાલ લોકડાઉન-૪માં રાજ્ય સરકાર દ્વારા પાન-માવા અને ગુટકા તેમજ તમાકુના વેચાણની મંજુરી આપવામા આવતાં સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગુટકા, માવા, તમાકુના ગલ્લા સહિત દુકાનો ખુલી જવા પામી છે. પરંતુ પાટડીની બજારોમાં હોલસેલ માવા, ગુટકા, તમાકુની દુકાનો ખોલવામાં ન આવતાં વ્યસનીઓની હાલત વધુ કફોડી બની હતી અને નાના દુકાનદારો પાસે જુના ભાવની વસ્તુઓ હોવા છતાં ઉંચા ભાવે વેચતા નજરે પડયા હતાં.

લોકડાઉનને કારણે છેલ્લા બે મહિનાથી પાન-માવા સહિત ગુટકા અને તમાકુની દુકાનો બંધ હોવાથી માવા તથા તમાકુ-બીડીના બંધાણીઓની હાલત કફોડી બની હતી અને કોઈપણ ભાવે, કોઈપણ જગ્યાએ એનકેન પ્રકારે લોકો આ વસ્તુઓ મેળવવા મથામણ કરી રહ્યા હતાં અને આવા લોકોના વ્યસનનો ગેરફાયદો લઈ વેપારીઓ દ્વારા ત્રણ-ચાર ગણા ભાવો લઈ કાળા બજાર કરતાં હતા પરંતુ તાજેતરમાં લોકડાઉન-૪માં સરકાર દ્વારા પાન-માવાની દુકાનો સહિત ગલ્લાઓ ખોલવાની મંજુરી મળતાં વ્યસનીઓમાં જીવ આવ્યો હતો. તેમ છતાંય પાટડી ખાતે હોલસેલ માવા-ગુટકા - તમાકુ તથા બીડીનો વેપાર કરતાં વેપારીઓએ દુકાનો ખોલી નહોતી અને જે નાની દુકાનોવાળા, ગલ્લાઓવાળા પાસે જુના ભાવના માવા તથા ગુટકા હોવા છતાં ઉંચા ભાવે વેચાતા લોકો લુંટાય રહ્યા છે. જ્યારે લોકડાઉન દરમિયાન રાતના અંધારામાં કાળાબજાર કરતાં હોલસેલ વેપારીઓને હવે મંજુરી મળવા છતાં દુકાનો ખોલી ચાલુ ભાવે માલ વેચવાનું ગમતું નથી અને બંધ બારણે ઉંચા ભાવે માલ વેચવાની પેરવી કરી રહ્યા છે. દુકાનોમાં માલ હોવા છતાં ગ્રાહકોને માલ નથી તેમ કહી તગડો નફો કમાવવા રીટેલમાં માલ વેચતા નથી. જ્યારે પાટડી તંત્રને ચાલુ ભાવે માલ મળી જતો હોવાથી આવા વેપારીઓ સામે કોઈ જ કાર્યવાહી કરતું નથી અને વ્યસનીઓ સરેઆમ લૂંટાય છે ત્યારે પોલીસતંત્ર હોલસેલ દુકાનદારોને બંદોબસ્ત સાથે ચાલુ ભાવે દરેકને વસ્તુ મળી રહે તે માટે વ્યવસ્થા કરવી જોઈએ અને દુકાનદારોને દુકાનો ખોલી માલ વેચવાની તાકીદ કરવી જોઈએ જેથી બંધાણીઓને સામાન્ય ભાવે વસ્તુઓ મળી રહે.