વિરમગામનો ''શહીદ બાગ'' શહીદ થવાને આરે
વિરમગામ, તા. 5 જુલાઈ 2020, રવિવાર
વિરમગામ શહેર સર્જનાત્મક, નવિનીકરણ તથા અનેક એવા વિકાસના કામોમાં અગ્રેસર હોય છે? નાગરિકોને આ અંગે કાંઈ જ ખબર ન હોય તેમ આશ્ચર્ય દર્શાવે છે. કહેવાય છે કે શુધ્ધ હવા, પાણી ફેર માટે ગામડાંમાં જવું જેથી શરીરમાં નવી ઉર્જા, તાજગી આવે. હવે વિરમગામમાં જ્યાં ઠેર ઠેર ગંદકી, ગંદકીના થર, ગંદી ગટરના પાણી એ તો ગટરમાં ક્યાં જાય છે જાહેર રોડ, રસ્તા ઉપર ઉભરાઈને આવે છે. લોકો કહે છે શું આ સર્જનાત્મક કહેવાય. નવિનીકરણ માટેની વાત કરીએ તો હજુ મુનસર તળાવ કાગડોળે રાહ જોઇને બેઠું છે. હવે તો મીનળદેવી પોતે આવે તો પણ તે ઓળખી ના શકે કે આ મારા દ્વારા નિર્માણ કરાયેલું તળાવ છે. હાલ ગૌરી વ્રત ચાલુ છે. નાની બાળાઓ, વ્રત કરનાર દિકરીઓ કે તેઓ આ ધાર્મિક વ્રત સમયે થોડો સમય ઉજવણી માટે બાગ-બગીચામાં જાય. પરંતુ બાગ-બગીચો ક્યાં છે ? છે... પણ એ તો ઢોરવાડો હોય તેવું વધુ લાગે છે. વિરમગામમાં એક શહીદ બાગ છે. (જો કોઇને ખબર હોય તો) તેનું નવિનીકરણ કર્યું છે. જોવા લાયક. બગીચો હોય તો રમતના સાધનો, ઘાસ, બાંકડા, એવું ઘણું બધું મનોરંજન તથા મોર્નિંગ વૉક માટે શહેરના લોકો તેનો લાભ લેવા આવે. પણ આમાનું તો કશું છે જ નહિં. ''શહીદ બાગ''ને મહાગુજરાતના આંદોલન વખતે શહીદ થયેલા કૌશિકભાઈ વ્યાસનું નામ આપવામાં આવ્યું છે. નવિનીકરણ એવું થયું કે તેમના નામની તક્તિ જ નથી. સમય સમયે આવનાર નવા તથા આવીને જઈ ચૂકેલા ઓફિસરો, ઠેકેદારો લોકો અમે શહેર, ગામ માટે કાંઇક કરવા માંગીએ છીએ તેવા મનસુબા સાથે ખુરશી સંભાળતા હોય છે. પાલિકા સામે પ્રજાજનો તેમની સમસ્યા કહી કહીને થાકી ગયા પણ કોઈ જ પ્રકારનો સુધારો આવતો નથી. લોકો કહે છે સરકારી બાબુઓ છે...નીતિ નિયમ કે કોઈ ઠોસ નિર્ણયની ઇચ્છાશક્તિ હોય તો પ્રજાની માંગણી જરૃર સંતોષાય. પણ જો નીતિ નિયમોની ઐસી તૈસી કે કરીશું..., સમય હજી ક્યાં ગયો છે... થાય છે... આવી વાતોથી પ્રજાલક્ષી કામ ન થાય. 'શહીદ બાગ' પાલિકા સેવા સદન કચેરીઓની બિલકુલ સામે જ છે. શું બહાર નીકળતા અધિકારીઓ કે ઓફિસરોની નજર નહિં પડતી હોય ? કે પછી નજર પડતી હોવા છતાં ઝૂકી જાય છે. ચેપી રોગ કોરોના છે એટલે ઉત્સવ, ધાર્મિક કાર્યક્રમો સાદગી સભર ઉજવવાના હોય છે આથી બગીચામાં આ વખતે તો કોઈ આવવાનું નથી. પણ અત્યાર સુધી કેટ-કેટલાય વર્ષોથી આ સ્મશાન ભાસતો બગીચાનું ક્યારે નવિનીકરણ થશે તે પ્રજા મીંટ માડીને બેસી રહી છે. નાગરીકો બહુ દુઃખ સાથે કહે છે કે આપણા ભવિષ્ય માટે જે લોકોએ લોહી રેડયું તેવા શહીદ કૌશિક વ્યાસની તક્તિ પણ ગાયબ છે. ક્યાં છે એ તક્તિ? આપણા સપૂતોએ કરેલા સાહસ, બલિદાન, શૌર્યને આજના ઠેકેદારોએ ભૂલાવી, ભૂંસી નાંખ્યો. આજની યુવા પેઢી શું શીખશે ? ગામનું ગૌરવસમા આ ઇતિહાસને કોરાણે મૂકી દીધો. શું આ નવિનીકરણ છે ? બગીચામાં હોય કે સમાજમાં ઉગતા ફૂલોને કે સાચી રાહ ચિંધનારાઓને ખુરશી પર બેઠેલાઓ સમય પહેલાં જ ચીમળી નાખે છે, દબાવી દે છે. નાગરિકો ખૂબ જ અકળાઈને કહે છે કે ગ્રાંટ આવે છે? આવે છે તો વપરાય છે? વપરાય છે તો કેવી રીતે, ક્યાં ? ઘણા લોકો કહે છે કે અમો તો થાકી ગયા. પણ આ લોકો... ઘણા નાગરિકો તો કહે છે કે શું આ છે ગુજરાત મોડેલ. વિરમગામના નાગરિકો માટે, શહેર માટે કામ કરવા હોય એટલા બાકી છે. જો કરવા હોય તો. સત્તાવાળાઓ થોડુંક ગામ તરફ ધ્યાન આપે તો ચોક્કસ સ્થિતિ બદલાય. વિકાસ તો થાય જ.શું કહો છો....?