Get The App

વઢવાણ તાલુકાના વસ્તડી ગામે ઐતિહાસિક શસ્ત્રપુજન સમારોહ યોજાયો

Updated: Oct 5th, 2022

GS TEAM

Google News
Google News
વઢવાણ તાલુકાના વસ્તડી ગામે  ઐતિહાસિક શસ્ત્રપુજન સમારોહ યોજાયો 1 - image


- સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ વાર 

- કાર્યક્રમમાં 123 તાલુકામાંથી 10,655 ગામના આગેવાનો અને 25000 થી વધુ લોકોએે શસ્ત્ર પુજન કર્યું 

- આશરે૩૨ એકર વિશાળ જગ્યામાં યોજાયેલા સમારોહમાં 2100 થી વધુ સ્વયંસેવકોએ વ્યવસ્થા સંભાળી 

સુરેન્દ્રનગર : શક્તિની ભક્તિના પર્વ નવરાત્રિ પછી ઝાલાવાડમાં દશેરા પર્વની ભાવપૂર્વક ઉજવણી થઈ હતી. અસત્ય સામે સત્યના વિજયનાં પર્વ એવા દશેરા પર્વે રાવણ દહન, શસ્ત્રપુજન સહિતનાં કાર્યક્રમો યોજાયા હતા.

 નવરાત્રી પર્વની ભાવપૂર્વક ઉજવણી પછી ગઈકાલે બુધવારે  વિજયનાં પર્વ દશેરાની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. રાજપૂત-ક્ષત્રિય સમાજ દ્વારા વિવિધ સ્થળોએ શસ્ત્રપુજનનાં કાર્યક્રમો યોજાયા હતા. વઢવાણ તાલુકાનાં વસ્તડી ગામે શ્રી ભવાની ધામ ખાતે સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ વાર ઐતિહાસિક શસ્ત્રપુજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશરે ૨૫,૦૦૦થી વધુ રાજપૂત આગેવાનોએ પરંપરાગત તલવાર અને પરંપરાગત સાફા-વસ્ત્રો પહેરી માતાજીનાં દર્શન-પુજન સાથે શસ્ત્રપુજન કર્યું હતું. કર્ણાટકનાં રાજ્યપાલ વજુભાઈ વાળા, જશાભાઈ બારડ, કાનભાઈ ગોહિલ, માવજીભા સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 આ કાર્યક્રમમાં ૨૪ કલાકનાં ૧૨૩ તાલુકામાંથી ૧૦૬૫૫ ગામનાં ૨૫૦૦૦થી વધુ આગેવાનો જોડાઈને શસ્ત્રપુજન કર્યું હતું. અંદાજે ૩૨ એકર વિશાળ જગ્યામાં યોજાયેલા આ સમારોહમાં ૨૧૦૦થી વધુ સ્વયંસેવકોએ વ્યવસ્થા સંભાળી હતી. પ્રસિધ્ધ કલાકાર રાજભા ગઢવીએ રાજપૂતનાં ગૌરવવંતા ઈતિહાસને રજુ કર્યો હતો. શસ્ત્રપુજનના આ વિરાટ કાર્યક્રમને સફળ બનાવવા કિશોરસિંહ ચૌહાણ, રૈયાભાઈ રાઠોડ, માવજીભાઈ ડોડીયા, દિપસંગભાઈ ડોડીયા, વિક્રમસિંહ પરમાર, તેજશભાઈ ભટ્ટી વિગેરે અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.

ચોટીલામાં ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પુજન

ચોટીલા ખાતે ગરાશીયા શેરીમાં આવેલ રાજપૂત સમાજની વાડી ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પુજન કરવામાં આવ્યું હતું. આર.એસ.એસ. દ્વારા પથ સંચલાન તેમજ શસ્ત્રપુજનનું આયોજન કરવામાં આવેલ હતું. 

સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા શૌર્ય યાત્રા

સુરેન્દ્રનગર ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જીલ્લા પોલીસવડા હરેશભાઈ દુધાત, નાયબ પોલીસવડા એચ.પી.દોશી, એલ.સી.બી., પી.આઈ. ત્રિવેદી, પી.આઈ. જાડેજા તેમજ પોલીસ અધિકારીઓ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શસ્ત્ર પુજન કરવામાં આવ્યું હતું.

લખતરમાં ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રપુજન 

લખતર શહેર તેમજ તાલુકામાં ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રપુજન કરી દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. માતાજીના હવન-પુજન સાથે રજવાડાના સમયથી ચાલી આવતી પરંપરા મુજબ શસ્ત્રપુજનના કાર્યક્રમો યોજાયા હતા.

Tags :