વઢવાણના ધોળીપોળથી શિયાણીપોળ સુધી અસહ્ય બનેલી ટ્રાફિકની સમસ્યા
- પોલીસ કર્મચારીઓ ટ્રાફિક નિયમનમાં નિષ્ફળ
- એમ્બ્યુલન્સ સહિતના ઈમરજન્સી વાહનો પણ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહે છે
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરમાં તો દિનપ્રતિદિન ટ્રાફીકની સમસ્યા વકરી રહી છે. ત્યારે ટ્રાફીક પોલીસ કર્મીઓ દ્વારા ટ્રાફીક નિયંત્રણ ન કરતાં હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી હતી પરંતુ હવે વઢવાણમાં પણ દિવસેને દિવસે ટ્રાફીકની સમસ્યા ઝટીલ બનતી જાય છે. જેમાં વઢવાણના ધોળીપોળથી શિયાળીપોળ સુધી ભારે વાહનો પસાર થતા ભારે ટ્રાફીકની સમસ્યા સર્જાવા પામી છે.
વઢવાણનાં શિયાણીપોળથી ધોળીપોળ સુધી વાહનોની અવર-જવર મોટા પ્રમાણમાં થતી હોય છે તેમજ અમદાવાદ-લીંબડી,ભાવનગર જવા માટે આ રસ્તાનો ઉપયોગ વાહન ચાલકો વધુ કરતા હોવાથી ભારે ટ્રાફીક રહેવા પામે છે. જેમાં એસટી બસો, ખાનગી ટ્રાવેલ્સ અને ટ્રકો સહીત નાના વાહનો પણ મોટી સંખ્યામાં નિકળતા હોય છે. આ રોડ પર એકપણ જગ્યાએ ટ્રાફીક કર્મીઓના અભાવે ટ્રાફીકના નિયમોનું ઉલ્લઘન કરી વાહન ચાલકો સામસામે આવી જતાં ઘણીવાર કલાક સુધી ભારે ટ્રાફીક જામ થવાની પરિસ્થિતિ સર્જાય છે. જયારે અમુકવાર તો એટલી હદ સુધી ટ્રાફીક જામ થઈ જાય છે કે, તેને હળવો થતાં કલાક જેટલો સમય વિતી જાય છે. જયારે ઘણીવાર કોઈ દર્દીને ઈમરજન્સી સારવાર અર્થે આ રોડ પરથી એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવામાં આવે ત્યારે ટ્રાફીકને કારણે એમ્બ્યુલન્સને પસાર થવામાં વિલંબ થતા ઘણીવાર દર્દીઓનાં રામ રમી જાય તેવું બની શકે તેમ છે. શહેરનાં અનેક રોડ પર ટૂંકા અંતરે ટ્રાફીક પોલીસ અને ટ્રાફીક બ્રીગેડના જવાનો ફરજ બજાવતા હોય છે. ત્યારે વઢવાણનાં રોડ પર વર્ષોથી કોઈ ટ્રાફીક કર્મીઓ ન હોવાને કારણે ટ્રાફીકની સમસ્યા સર્જાય છે. ત્યારે વઢવાણ વાસીઓ અને વાહન ચાલકોની માંગ છે કે, શિયાણીપોળથી વઢવાણ ધોળીપોળ સુધીનાં રસ્તે વહેલામાં વહેલી તકે ટ્રાફીક કર્મીઓ મુકવામાં આવે તો કદાચ આ સમસ્યા હલ થઈ શકે તેમ છે.