Updated: May 24th, 2023
- રાણપુરમાંથી પકડાયેલી રિક્ષાના ડ્રાઈવરની પૂછપરછ દરમિયાન કબૂલાત
- રિક્ષામાંથી ઝડપાયેલો 400 કિલો ચોખા, 11 કિલો ઘઉંનો જથ્થો સિઝ કરી કાર્યવાહી કરાઈ
રાણપુર : રાણપુર આવતા રેશનના અનાજના જથ્થા ભરેલી રિક્ષા પકડાયા બાદ આજે રિક્ષાચાલકની પૂછપરછ કરતા તેણે આ જથ્થો ધંધુકા તાલુકાના રોજકા ગામેથી ખરીદી કર્યો હોવાનું જણાવ્યું હતું. બિનહિસાબી ઘઉં અને ચોખાના જથ્થાને રાજ્ય પુરવઠા નિગમમાં મોકલવા સાથે આગળની કાર્યવાહી ચાલી રહી છે.
રાણપુર મામલતદાર કે.કે. વાળાએ બોટાદથી રાણપુર આવતા બિન હિસાબી ઘઉં અને ચોખાનો જથ્થો લઈ જતી રીક્ષા પકડી પાડી હતી. તથા રાણપુર મામલતદાર કચેરી ખાતે લાવી ડ્રાઇવર બસીરભાઈ અબ્દુલભાઈ ન્યાતરની પૂછપરછ કરતા આ ઘઉં તથા ચોખાનો જથ્થો ધંધુકા તાલુકાના રોજકા ગામેથી ખરીદી કર્યાનું જાણવા મળ્યું હતું. બિલ કે અન્ય કોઈ સાધનિક પુરાવા રજુ ના કરતા ૪૦૦ કિલો ચોખા તથા ૧૧ કિલો ઘઉંનો બિન હિસાબી જથ્થો સીઝ કરીને ગુજરાત રાજ્ય પુરવઠા નિગમના ગોડાઉન મેનેજર બોટાદને સુપરત કર્યો હતો. તેમજ કબજે લીધેલી રીક્ષાને રાણપુર પોલીસ સ્ટેશનમાં સોંપી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, બોટાદ રાણપુર મિલેટ્રી રોડ પર આવેલ અળવ ગામના પાટીયાની આજુબાજુમાં તથા બોટાદમાં આ અનાજ સંઘરવાના મોટા ગોડાઉન આવેલા છે. તેવો અહેવાલ મળતા તંત્ર હરકતમાં આવ્યું હતું.