ધોળકા શહેરમાં કિલર કોરોનાના વધુ બે કેસ : કુલ આંક 92 એ આંબ્યો
- દવાની કંપનીમાં કેસ નોંધાયા બાદ તાલુકામાં સંક્રમણ વધ્યું
- રેનવાળા વિસ્તારના આધેડ અને કલીકુંડ વિસ્તારમાં પુરુષને કોરોના : ગ્રામ્ય વિસ્તારમાં પણ ચેપ વધ્યો
બગોદરા, તા. 3 જૂન 2020, બુધવાર
અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરી વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો સતત વધી રહ્યાં છે ત્યારે શહેરી વિસ્તારમાં વધુ બે કોરોના વાયરસના પોઝીટીવ કેસ નોંધાતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં દિન-પ્રતિદિન કોરોના વાયરસના પોઝીટીવ કેસો વધી રહ્યાં છે જેમાં સૌથી વધુ શહેરી વિસ્તારમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો સામે આવ્યાં છે. ત્યારે ફરી શહેરી વિસ્તારમાં વધુ બે કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતાં જેમાં કલીકુંડ વિસ્તારમાં આવેલ સાનિધ્ય સોસાયટીમાં એક પુરૃષને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જ્યારે અન્ય એક રેનવાળા વિસ્તારમાં ૭૫ વર્ષના વૃધ્ધને કોરોના પોઝીટીવ આવ્યો હતો આ બંન્ને પોઝીટીવ દર્દીઓને સારવાર અર્થે અમદાવાદ હોસ્પીટલ ખાતે ખસેડાયા હતાં. જ્યારે ધોળકા શહેરમાં વધુ બે નવાં કેસ નોંધાતાં ધોળકા તાલુકાનો કુલ કોરોના પોઝીટીવ આંક ૯૨ ઉપર પહોંચ્યો હતો જ્યારે લોકમુખે થતી ચર્ચા મુજબ ધોળકા શહેરી વિસ્તારમાં કોરોના વાયરસના ટેસ્ટીંગ વધારવામાં આવે તો અનેક લોકોને કોરોના પોઝીટીવ આવી શકે છે અને અન્ય લોકો તેમનાં સંક્રમણથી બચી શકે છે આથી અરોગ્ય તંત્ર દ્વારા શહેરમાં કોરોના વાયરસના ટેસ્ટીંગ વધુમાં વધુ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
છેલ્લા ઘણાં સમયથી જીલ્લાનાં સાણંદ, બાવળા, બગોદરા, ધોળકા, વિરમગામ સહિતના તાલુકા મથકોમાં પણ કોરોનાએ અજગરી ભરડો લીધો છે.