સુરેન્દ્રનગર અને વઢવાણમાં કોરોનાના વધુ બે કેસ મળતાં તંત્રમાં દોડધામ
- કિલર કોરોનાનો જિલ્લામાં હજી અડિંગો
- નવા જંકશન રોડ પર વૃધ્ધા અને વઢવાણના આધેડ પુરૂષને હોસ્પિટલમાં દાખલ કરાયા
સુરેન્દ્રનગર, તા.25 જૂન 2020, ગુરુવાર
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે અને શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો નોંધાઈ રહ્યાં છે ત્યારે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારોમાં વધુ બે કોરોના પોઝીટીવ કેસો નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિત શહેરી વિસ્તારો તેમજ જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં દિન-પ્રતિદિન કોરોના વાયરસના પોઝીટીવ કેસો નોંધાઈ રહ્યાં છે. ત્યારે વધુ બે કોરોના પોઝીટીવ કેસ શહેરી વિસ્તારમાં નોંધાયા હતાં જેમાં સુરેન્દ્રનગર શહેરનાં નવા જંકશન રોડ પર રહેતી ૬૩ વર્ષની વૃધ્ધ મહિલા અને વઢવાણ શહેરનાં ૫૫ વર્ષના પુરૂષને કોરોના પોઝીટીવ આવતાં બંન્ને દર્દીઓને સારવાર અર્થે સુરેન્દ્રનગર શહેરની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં જ્યારે આ સાથે જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ ૧૧૧ ઉપર પહોંચ્યો હતો. જ્યારે એક સાથે શહેરી વિસ્તારમાં બે કોરોના પોઝીટીવ કેસ આવ્યાં બાદ આરોગ્ય તંત્ર સફાળુ જાગ્યું હતું અને કોરોના પોઝીટીવ દર્દીઓના રહેણાંક વિસ્તારોમાં જઈ ક્વોરનટાઈન, કન્ટેઈનમેન્ટ ઝોન, બફર ઝોન અને સેનેટાઈઝેશન સહિતની કામગીરી હાથધરી હતી.