ચોટીલા, તા.19 ફેબ્રુઆરી 2020, બુધવાર
સાયલા તાલુકાના સોખડા અને ધાંધલપુર ગામની સીમમાં દેખાયેલા સિંહોના ટોળાએ અગાઉ ફફડાટ ફેલાવ્યો હતો ને એ ઘટના તાજી જ છે ત્યાં ચોટીલા પંથકમાં સિંહ બેલડી દેખાતા ફરી લોકોમાં ફફડાટ ફેલાવ્યો છે. જ્યારે વનવિભાગમાં દોડધામ મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તાલુકાના પીપરાળા ગામની સીમમાં ગોરધનભાઈ રઘાભાઈ સાકરિયાના ખેતરમાં સ્થાનિક ખેડૂત દંપતી વનરાજભાઈ અને કૈલાસબેન બપોર બાદ મકાઈ વાઢવા ગયા હતા ત્યારે બે સાવજ દેખાતા ગભરાઈ ગયા હતા અને દોડીને ખેતરમાં આવેલા મકાનના ધાબા પર ચઢી ગયા હતા.
ત્યારબાદ અન્ય પરિવારજનોને ફોનથી જાણ કરતા લોકો દોડી આવ્યા હતા. અંતે વનવિભાગને પણ જાણ કરવામાં આવતા વનકર્મીઓએ લોકોની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
પ્રાથમિક દ્રષ્ટિએ બંને સિંહ પુખ્ત વયના હોવાનું જણાયું છે. લોકોએ આ સિંહોને વહેલી તકે પાંજરે પુરવાની માંગ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લા-તાલુકામાં છેલ્લાં કેટલાંક સમયથી સિંહો દેખાવાની ઘટનાઓ બનતાં લોકોમાં ફફડાટની લાગણી ફેલાયેલી છે.


