For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરીની રેડ કરતા અધિકારીઓ પર વોચ રાખતા ત્રણ શખ્સ પકડાયા

Updated: May 24th, 2023

Article Content Image

- ઝાલાવાડમાં ખનીજ ચોરી અટકાવતા અધિકારીઓ પર નજર રાખતા કાર્યવાહી 

- વોટ્સએપ ગૃ્રપમાં શખ્સો અધિકારીઓની હાજરી બાબતે વોઇસ મેસજ, ટેક્સ મેસેજ અને સરકારી ગાડીનો ફોટો આપ લે કરતા હોવાનું તપાસમાં ખુલ્યું : ત્રણ વોટ્સએપ ગૃ્રપના એડમિન અને સભ્યો સામે પણ ફરિયાદ નોંધાઇ 

સુરેન્દ્રનગર : ઝાલાવાડમાં ગેરકાયદે ખનીજચોરીનો કાળો કારોબાર કરતા ખનીજ માફિયાઓ વોટસએપ ગૃ્રપ બનાવીને ખનીજચોરી અટકાવતા અધિકારીઓ ઉપર વોચ રાખી દરોડાની કામગીરી નિષ્ફળ બનાવવાની કોશિષ કરવામાં આવતી હતી.  ત્યારે એલ.સી.બી., એસ.ઓ.જી.ની ટીમોએ રામપરડાના બોર્ડ પાસેથી સરકારી અધિકારીઓ ઉપર વોચ રાખતા ધોળીયા ગામના ત્રણ શખ્સોને ઝડપી લઈને ખનીજચોરીના ચાર વોટસએપ ગૃ્રપના એડમીન તથા સભ્યો સામે પણ મુળી પોલીસમાં ગુનો નોંધાવ્યો છે. 

 સુરેન્દ્રનગર જિલ્લામાં રેતી, કોલસો, માટી જેવા ખનીજના ગેરકાયદે ખનન અને વહનની પ્રવૃતિ મોટાપાયે ચાલે છે. ભૂમાફિયાઓ દ્વારા અલગ-અલગ વોટસએપ ગૃ્રપ બનાવીને ખનીજચોરી અટકાવવાની ફરજ બજાવતા સરકારી વિભાગના અધિકારીઓ ઉપર વોચ રાખી તેઓના તથા તેમની ગાડીઓના લોકેશન વોટસએપ ગૃ્રપમાં શેર કરતા હોવાનું પોલીસતંત્રના ધ્યાનમાં આવ્યું હતું. આવા વોટસએપ ગૃ્રપના સભ્યો જિલ્લામાં અલગ-અલગ જગ્યાએ વોચમાં રહીને દરોડાની કાર્યવાહી કરવા માટે ફિલ્ડમાં નીકળતા અધિકારીઓની માહિતી ગૃ્રપમાં વાયરલ કરી દેતા હોય છે. તેથી ચેકીંગ કરવા નીકળેલા અધીકારીઓ ખનીજચોરીના સ્થળે પહોંચે તે પહેલા તેઓના આવવાની જાણ ગૃ્રપમાં થઈ જતા મજુરોને ભગાડી મુકીને ખનીજચોરી ન પકડાય તેવી ગોઠવણ કરવામાં આવતી હોય છે. 

તાજેતરમાં ગાંધીનગર, વડોદરા, સુરતની ટીમોએ પાડેલા દરોડામાં ખનીજ માફિયાઓના વોટસએપ ગૃ્રપ અને જાસુસી નેટવર્કની વિગતો બહાર આવતા રાજકોટ રેન્જ આઈ.જી. તથા જિલ્લા પોલીસવડા દ્વારા આવા નેટવર્ક ઉપર વોચ રાખી સરકારી અધિકારીઓની જાસુસી કરતા સભ્યોને શોધી કાઢવા એલ.સી.બી., એસ.ઓ.જી.ને ખાસ સુચના આપી હતી.

ઉચ્ચ અધિકારીઓની સુચના અન્વયે એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પી.આઈ. એસ.એમ.જાડેજાઅ અલગ-અલગ ટીમો બનાવીને પેટ્રોલીંગ દ્વારા વોચ રાખતા બુધવારે બાતમીના આધારે રામપરડા ગામના બોર્ડ પાસેથી ધોળીયા ગામના ત્રણ શખ્સો કાનાભાઈ હકાભાઈ સાતોલા, ચકાભાઈ મફાભાઈ સાતોલા અને ગોપાલ મફાભાઈ સાતોલાને ઝડપી લઈને તેમનો મોબાઈલ તપાસતા  ''મા શક્તિ ગૃ્રપ'', ''મા મેલડીની મોજ ગૃ્રપ'', ''જય માંડવરાયજી દાદા'' સહિતના વોટસએપ ગૃ્રપોમાં અલગ-અલગ સરકારી અધિકારીઓની હાજરી બાબતે વોઈસ મેસેજ કે ટેક્સ મેસેજ સરકારી ગાડીઓના ફોટોગ્રાફ સહિતની માહિતીની આપ-લે જોવા મળતા ત્રણેય ઈસમોની આકરી પુછપરછ કરવામાં આવી હતી. 

જેમાં બહાર આવેલ વિગતો મુજબ આ ત્રણેય શખ્સો ધોળીયા ગામે અલગ-અલગ જગ્યાએ પોતાનું કોલસાનું ખાતુ ખનીજચોરી માટે મજુરો રાખી ચલાવતા હતા. આ ખનીજચોરી પકડાઈ ન જાય તે માટે ખનીજ માફિયાઓના વોટસએપ ગૃ્રપમાં જોડાઈને અન્ય સભ્યોની માફક પોતાના વિસ્તારમાં સરકારી અધિકારીઓની ગતિવિધિ ઉપર નજર રાખતા હતા અને સરકારી વાહન સહિતની માહિતી તેમના વોટસએપ ગૃ્રપમાં આપ-લે કરીને ખનીજચોરીનું રેકેટ ચલાવતા હતા.

પોલીસે આ ત્રણેય શખ્સો પાસેથી રૂા.૧૫,૦૦૦ની કિંમતના ત્રણ મોબાઈલ, રૂા.૫,૦૦,૦૦૦ની કિંમતની કાર મળી કુલ ૫,૧૫,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો તેમજ પકડાયેલા ત્રણેય શખ્સો ઉપરાંત ત્રણેય વોટસએપ ગૃ્રપના એડમીન તથા સભ્યો સામે ગુનો નોંધાવીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.

Gujarat