સાયલા પીએસઆઈની બદલી રોકવા ગામે સંપૂર્ણ બંધ પાળી વિરોધ દર્શાવ્યો
- એસપી કચેરીએ આવેદન અને ઈશ્વરિયાના સરપંચે લેખિત રજૂઆત કરી
- વેપારી મંડળે ધંધા- રોજગાર બંધ રાખ્યા ઃ આઠ મહિનાથી ક્રાઈમની ઘટનાઓ ઘટી ન હોવાનો દાવો
સાયલા : સાયલા પીએસઆઇની બદલી થતા તેમની બદલી રોકવા વેપારી મંડળ દ્વારા સાયલા ગામ સંપૂર્ણ બંધ રાખી વિરોધ દર્શાવાયો હતો.
સાયલા પીએસઆઇ વી.એન. જાડેજાની બદલીનો ઓર્ડર અમદાવાદ ખાતે કરવામાં આવ્યો છે. જે બદલી રોકવા માટે તા. ૧૨મીને સોમવારે સાયલા વેપારી મંડળ દ્વારા સાયલા બંધનું એલાન આપી વેપાર ધંધા બંધ રાખી વિરોધ દર્શાવાયો હતો. છેલ્લા આઠ મહિનાથી પીએસઆઇ વી.એન. જાડેજા સાયલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા છે.
વેપારીઓના કહેવા મુજબ પીએસઆઇ સાયલા ખાતે આવ્યા પછી ચોરી લૂંટફાટ જેવી અનેક નાની મોટી ઘટનાઓમાં ઘટાડો નોંધાયો હતો. તેમની બદલી રોકવા માટે એસપી કચેરીએ આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું, તેમજ સાયલા તાલુકાના ઈશ્વરીયા ગામના સરપંચ દ્વારા પણ બદલી રોકવા લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
સાયલા સરપંચ સહિત સદસ્યો પણ આ બંધમાં જોડાયા હતા.