લીંબડીમાં કોરોના પોઝિટિવના 2 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો
- સોનીપા શેરી અને જીનમાં રહેતા યુવાનનો રિપોર્ટ પોઝિટિવ : બંનેને હોસ્પિટલમાં દાખલ કરાયા
લીંબડી, તા.13 જૂન 2020, શનિવાર
સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના વાયરસે કહેર મચાવ્યો છે અને જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં દિન-પ્રતિદિન કોરોના વાયરસના પોઝીટીવ કેસો વધી રહ્યાં છે ત્યારે લીંબડી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બે કોરોના પોઝીટીવ કેસો નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવાં પામ્યો હતો.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારો સહિત જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે ત્યારે લીંબડી શહેરના અલગ-અલગ વિસ્તારમાં બે યુવકોને કોરોના પોઝીટીવ આવ્યો હતો જેમાં લીંબડી શહેરનાં સોનીપા શેરીમાં રહેતાં યુવક પ્રિયાંક જગદીશભાઈ લાલાણી ઉ.વ.૩૨ તથા જીનમાં રહેતાં રામકિશન જયકિશન રાવત ઉ.વ.૪૨વાળાને કોરોના પોઝીટીવ આવતાં સારવાર અર્થે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં ત્યારે આ સાથે જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક ૬૬ ઉપર પહોંચ્યો હતો.
જ્યારે લીંબડી શહેરી વિસ્તારમાં એક સાથે બે કેસ નોંધાતાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોરોના પોઝીટીવ દર્દીના રહેણાંક વિસ્તારોમાં સેનેટાઈઝેશન અને કોરોન્ટાઈન સહિતની કામગીરી હાથધરવામાં આવી હતી.