વિરમગામમાંથી પસાર થતા સ્ટેટ હાઈ-વેને જોડતા બિસ્માર રસ્તાના પ્રશ્ને આવેદનપત્ર
- જનસંઘર્ષ સમિતિએ તમામ અગ્રણીઓને રજૂઆત કરી આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી
વિરમગામ, તા.7 જુલાઈ 2020, મંગળવાર
વિરમગામ શહેરમાંથી પસાર થતાં સ્ટેટ હાઇવે જે શંખેશ્વર બહુચરાજી મોઢેરાને જોડતો માર્ગ છે. વિરમગામ શહેરમાં રૈયાપુર દરવાજાથી ભરાવાડી દરવાજા સુધી બિસ્માર ખાડાવાળા રસ્તાથી વાહનચાલકો, રાહદારીઓ સહિતના ભારે હાલાકી ભોગવી રહ્યા છે. મોટામસ ખાડાના કારણે અકસ્માત થવાની શક્યતા સેવાઇ રહી છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલીક ખાડા પુરાવાની માંગ સાથે વિરમગામ જન સંઘર્ષ સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
વિરમગામ શહેરમાં પ્રવેશદ્વાર રૈયાપુર દરવાજાથી ભરવાડી દરવાજા સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે. આ રોડ ઉપર મસમોટા ખાડા પડી ગયા છે. આ ખાડાના કારણે વાહનચાલકો રાહદારી યાત્રાળુઓ હેરાનપરેશાન થઇ ગયા છે ત્યારે આ ખાંડાને તાત્કાલીક પુરાણ કરાવવા વિરમગામ જન સંઘર્ષ સમિતિના કિરીટ રાઠોડ, બળવંત ઠાકોર, આશિષ ગુપ્તા, રાકેશ સોલંકી દ્વારા નાયબ કલેકટર, કાર્યપાલક ઈજનેર, નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, ધારાસભ્ય લાખાભાઇ ભરવાડને લેખિતમાં જાણ કરી ૪૮ કલાકમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો અહિંસક આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.