Get The App

પાટડીના રણમાં 13 વર્ષથી નર્મદા કેનાલ ઓવરફ્લો થવાની સમસ્યા વણઉકેલાયેલી

Updated: Nov 28th, 2021

GS TEAM


Google News
Google News
પાટડીના રણમાં 13 વર્ષથી નર્મદા કેનાલ ઓવરફ્લો થવાની સમસ્યા વણઉકેલાયેલી 1 - image


- ચૂંટણી ટાણે રાજકીય નેતાઓએ હૈયાધારણ આપી પણ સ્થિતિ યથાવત 

- અગરીયાઓએ રાતદિવસ એક કરીને પકવેલા મીઠાના અગર ઉપર કેનાલના પાણી ફરી વળતા થતું આર્થિક નુકસાન : વળતર પેટે સરકાર ફૂટી કોડી આપતી ન હોવાનો આક્ષેપ

પાટડી : પાટડી પંથકના ખારાઘોડાના રણમાં છેલ્લા તેર વર્ષથી નર્મદા કેનાલના ઓવર ફલો થતા પાણી રણમાં ફરી વળતા અગરીયાઓને લાખ્ખો રૂા.નું નુકશાન વેઠવું પડે છે. આ બાબતે સરકાર દ્વારા અગરીયાઓને વળતર આપવાની માત્ર ખાતરી અપાય છે પણ વળતર મળતું ન હોવાનું અગરીયાઓ જણાવે છે.  આ અંગેની વિગત એવી છે કે, થોડા સમય પહેલા કમોસમી વરસાદથી રણમાં અગરીયાઓએ બનાવેલા મીઠુ પકવવાના પાટાઓને નુકશાન થયેલ હતુ.! બાદમાં નર્મદાની કેનાલો ઓવર ફલો થતા વોકળા મારફતે આ પાણી રણમાં ફરી વળતા અગરીયાઓને ફરીવાર નુકશાન વેઠવાનો વારો આવેલ છે. આ બાબતે અગરીયાઓ દ્વારા વળતર આપવાની માંગ સાથે ધ્રાંગધ્રા નાયબ કલેકટને રજુઆત કરવામાં આવી હતી. તંત્ર દ્વારા નુકશાનનો સર્વે કરીને ફોર્મ પણ ભરાવવામાં આવેલ હતા. પરંતુ અગરીયાઓને આજ સુધી રાતી પાઈનું વળતર આપવામાં ન આવતા રોષ સાથે અસંતોષની લાગણી ફેલાવા પામેલ છે. 

અગરીયાઓના કહેવા મુજબ છેલ્લા તેર વર્ષથી નવેમ્બર મહીનામાં કેનાલો ઓવર ફલો થતા રણમાં પાણી ફરી વળે છે અને અગરીયાઓને નુકશાન વેઠવું પડે છે. આ બાબતે નર્મદા વિભાગને વારંવાર રજુઆતો કરવામાં આવેલ છે. પરંતુ અગરીયાઓની સમસ્યા હલ કરવા કોઈ કાર્યવાહી કરાયેલ નથી. બે દિવસ પહેલા થોડુ થોડુ પાણી રણમાં ફેલાવાની શરૂઆત થઈ હતી. જે હાલમાં સવલાસ, દેગામની શ્રી રામ અંબિકા દસાડા મંડળીના ભાગમાં પંદર કિલોમીટર ફરી વળેલ છે. વહેલીતકે નર્મદાનું પાણી બંધ કરવામાં નહી આવે તો અગરીયાઓએ મીઠુ પકવવા માટે મહામહેનતે બનાવેલા પાટા ધોવાઈ જવાની દહેશત વ્યકત થઈ રહી છે. નર્મદાના પાણી વહેલીતકે બંધ કરવામાં આવે તથા અગરીયાઓને નુકશાનનું વળતર ચુકવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. 

Tags :