રાજકોટ, તા. 25 જુલાઇ 2020, શનિવાર
ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મહેમાનોને અને મિત્રોને જેના માટે પ્રેમપૂર્વક આગ્રહ કરાતો રહ્યો છે અને લાખો લોકોની સવાર જેના વગર પડતી નથી તે પીણુ ચા પણ હવે મોંઘી થઈ છે. વર્ષે ૧૩૦૦૦ લાખ કિલોથી વધારે સાથે વિશ્વમાં બીજા ક્રમે ચાના ઉત્પાદક ભારતમાં હવે ચા પણ મોંઘી થઈ છે.
સ્થાનિક ધોરણે બ્રાન્ડેડ ચામાં ગત પખવાડિયામાં રૂ।.૨૦થી ૪૦નો વધારો થયો છે તો ગત વર્ષની સાપેક્ષે એક કિલો ચાના રૂ।.૮૦થી ૯૦ વધી ગયા છે. સૂત્રોએ આ માટે આસામમાં પૂર સહિત પ્રતિકૂળ આબોહવાથી ઉત્પાદનને પડેલી માઠી અસર અને લોકડાઉનના કારણે ધીમુ પડેલ ઉત્પાદન કાર્ય જવાબદાર ગણાવ્યા છે.
ગુજરાત ટી ટ્રેડર્સ એસોસીએશનના સૂત્રોએ જણાવ્યું કે ચાલુ વર્ષે ગત વર્ષની સાપેક્ષે ચાનું ઉત્પાદન આશરે ૧૭૦૦ લાખ કિલો જેટલું ઓછુ થયું છે.
જો કે ભારત એ હજારો કરોડ રૂ।.ની ચાની નિકાસ કરતો દેશ દાયકાથી રહ્યો છે. પરંતુ, ઓછા ઉત્પાદનના કારણે ચાના ભાવ પ્રતિ કિલોના ગત વર્ષ રૂ।.૧૫૯ (ગાર્ડન) અને રૂ।.૧૦૦ (બોટલીફ) હતા તે ચાલુ વર્ષે અનુક્રમે રૂ।.૨૪૧ અને રૂ।.૧૭૬ થઈ ગયા છે.
આસામની ચા અગ્રેસર રહી છે ત્યાં હરાજીના ભાવ ગત વર્ષે રૂ।.૧૭૫ અને રૂ।.૧૨૫ હતા તે આ વર્ષે રૂ।.૨૭૮થી ૨૨૪ રહ્યા છે. એકંદરે કિલોએ રૂ।.૮૦થી ૯૦નો વધારો થયો છે.
સૌરાષ્ટ્રમાં સ્થાનિક સૂત્રો અનુસાર ગત પંદર-વીસ દિવસમાં ચાના ભાવમાં વધારો થયો છે અને નજીકના સમયમાં ઘટાડાના અણસાર નથી.


