For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

તરણેતરના મેળાનો આજથી આરંભ

Updated: Aug 29th, 2022


- લોકકલા, લોકસાહિત્ય, લોકજીવન, લોકસંસ્કૃતિ અને લોકગીતના પ્રતિકસમા

- ત્રિનેત્રેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં બે વર્ષ બાદ મેળો યોજાતો હોવાથી શહેર સહિત ગ્રામ્ય પ્રજામાં ભારે થનગનાટ

સુરેન્દ્રનગર : ઝાલાવાડની ધીંગી ધરા ઉપર માં ચામુંડાના જયાં બેસણા છે એવા યાત્રાધામ ચોટીલાથી પચ્ચીસેક કિ.મી. દુર અને ઔદ્યોગીક શહેર થાનગઢથી સાતેક કિ.મી. દુર આવેલા તરણેતર ગામે આજથી ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત લોકમેળો યોજાશે. કોરોનાકાળનાં બે વર્ષ પછી મેળો યોજાઈ રહ્યો હોવાથી ઝાલાવાડનાં લોકોમાં અનેરો થનગનાટ જોવા મળે છે.

તરણેતરનો મેળો એટલે લોકકલા, લોકસાહિત્ય, લોકજીવન, લોકસંસ્કૃતિ, લોકબોલી અને લોકગીતોનો મેળો છે. ભરવાડ-રબારી સમાજનાં યુવક-યુવતીઓ કાઠી, કોળી જ્ઞાતિના ભાઈ-બહેનો સહિત વિવિધ સમાજનાં લોકો પોત-પોતાનાં પરંપરાગત વેશ પહેરવેશમાં મેળો માણવા આવે છે. તરણેતરનાં મેળાનું પ્રતિક રંગબેરંગી છત્રી છે. મેળામાં મહાલતા ઝાલાવાડીઓ આ છત્રી લઈને ફરતા જોવા મળે છે. મેળાનાં સ્ટેજ પાસે મસમોટી છત્રી મુકવમાં આવી છે. જે દુરથી પણ જોઈ શકાય છે. આ સ્ટેજ ઉપર હુડોરાસ, લોકગીત, લોકસાહિત્ય વિગેરેની સ્પર્ધા યોજવામાં આવે છે. જ્યારે મેળાની આજુબાજુના  મેદાનોમાં ગ્રામીણ ઓેલિમ્પીકની સ્પર્ધા યોજાય છે. આ મેળો જ્યાં ભરાય છે તે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનાં મંદિરે પાળીયાદની જગ્યાના મહંત દ્વારા બાવનગજની ધજા ચડાવવામાં આવે છે. શિવપુજન બાદ મેળાની શરૂઆત થાય છે.  ભાદરવા સુદ-ત્રીજથી પાંચમ સુધી એટલે ર્કેે ૩૦ ઓગષ્ટથી ૨ સપ્ટેમ્બર સુધી મેળો યોજાશે. ઋષી પાંચમનાં દિવસે અહીં ગંગા સ્નાન કરવા સુરેન્દ્રનગર જીલ્લામાંથી જ નહીં, દુર-દુરથી શ્રધ્ધાળુઓ આવતા હોય છે. એકબાજુ બાવન ગજની ધજા ફરકતી હોય છે. મંદિરમાં હર હર ભોલેનો જય ઘોષ થતો હોય, ઘંટારવનો નાદ સંભળાતો હોય, ગંગા સ્નાન થતું હોય ભજન મંડળીઓમાં ભજન ગવાતા હોય ત્યારે મેળામાં ભક્તિમય વાતાવરણ સર્જાય છે. તો બીજી બાજુ જોડીયા પાવાના સુર રેલાતા હોય, દેશી ઢોલનાં તાલે હુડો રાસડો રમાતા હોય, દોસ્તારો સાથે યુવાનો અને સખી સહેલી સાથે યુવતીઓ મેળામાં મહાલતી હોય, નિર્દોષ આનંદના એ દ્રશ્યો તરણેતરનાં મેળાની ખરી મજા છે.

10 ડીવાયએસપી સહિત 1200 પોલીસનો કાફલો બંદોબસ્ત જાળવશે

જીલ્લા કલેકટર કે.સી.સંપટના માર્ગદર્શન હેઠળ જીલ્લા વહીવટીતંત્ર અને જીલ્લા પોલીસવડા હરેશ દુધાતની દેખરેખ હેઠળ જીલ્લા પોલીસ તંત્ર દ્વાર મેળાનું સુચારૂ આયોજન કરાયુ છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. જેમાં સૌરાષ્ટ્રભરના ૧૦ ડી.વાય.એસ.પી,૩૦ પીઆઇ, ૮૦ પી.એસ.આઈ,૧૧૦૦ પોલીસ કર્મચારી અને ૯૦૦થી વધુ હોમગાડ-જવાનોને બંદોબસ્ત જાળવશે.

તરણેતરનો મેળો અને બનેવી બજાર

તરણેતરનાં મેળામાં બનેવી બજારનું પણ મહત્વ છે. એક સમયે મેળામાં બનેવી બજાર ભરાતી હતી. જયાં સગાઈ થતી હોય કે નવા નવા લગ્ન થયા હોય તેવા યુવક-યુવતીઓ ભેગા થતા. જેમાં યુવતીની બહેન પણ હોય જે બનેવી પાસે બનેવી બજારમાંથી બંગડી, બોરીયા જેવી સ્ત્રી શ્રુંગારની વસ્તુ લઈ આવવા જીદ કરતી અને બનેવી પણ હોંશે હોંશે સાળીને આ વસ્તુ અપાવતા. ત્યારથી મેળામાં ભરાતી એક બજાર બનેવી બજાર તરીકે ઓળખાતી હતી. 

પહેલી સપ્ટેમ્બરે મુખ્યમંત્રી હાજરી આપશે

તા.૩૦ના રોજ વન અને પર્યાવરણ મંત્રી કિરિટસિંહ રાણા, પશુપાલન મંત્રી દેવજીભાઈ માલમ દ્વારા સવારે શિવપુજન, ગ્રામીણ રમતોત્સવ વિવિધ સ્ટોલનું ઉદ્દઘાટન, મેળો ખુલ્લો મુકાશે રાત્રે ગ્રામ પંચાયત આયોજીત ભજન સંધ્યા.તા.૩૧ ના રોજ ટુરીઝમ કોમ્પલેક્ષ ખાતે શિવપુજન, ધ્વજારોહણ, ગ્રામ પંચાયતના સ્ટેજ પર દિપ પ્રાગટય, પાળીયાદની જગ્યાનાં મહંત નિર્મળાબા ઉનડબાપુના હસ્તે ધ્વજારોહણ અને રાત્રે લોકડાયરો. તા.૦૧-૦૯ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય રાજ્યમંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતનાં મંત્રીઓ ઉપસ્થિત રહીને શિવપુજન, રમતોત્સવની મુલાકાત અભિવાદન કાર્યક્રમમાં જોડાશે. લોક સાંસ્કૃતિક કાર્યક્રમો, મેદાની હરીફાઈ, સ્ટેજપરનાં કાર્યક્રમો અને હરીફાઈ, ઈનામ વીતરણ સહિતના કાર્યક્રમો યોજાશે.તા.૦૨ના રોજ ગંગા વિદાય આરતી સાથે બપોરે મેળાની પૂર્ણાહુતી થશે.

મેળામાં ભજન મંડળીઓ અને અન્નક્ષેત્રનું પણ  મહત્વ 

મેળામાં જુદી જુદી જગ્યાએ રાવટીઓ નાંખીને ભજન મંડળીઓમાં ભજન ગવાતા હોય છે. અન્નક્ષેત્રોમાં મેળો માણવા આવેલા ભૂખ્યા લોકોની જઠરાગ્નિ ઠારવાની સેવા થતી હોય છે. કોઈ જગ્યાએ જાદુના તો કોઈ જગ્યાએ અંગ કસરતાંના કરતબોના નિદર્શનો થતા હોય છે.

Gujarat