પ્રેમીકાનું સગપણ અન્ય જગ્યાએ થતા પ્રેમી યુગલનો ઝાડ સાથે ફાંસો ખાઈ આપઘાત
- દસાડાના સુરેલ ગામની સીમ વિસ્તારની ઘટના
- ખેતરમાં લીંબડાના ઝાડની ડાળે યુવક અને યુવતીના મૃતદેહો લટકેલી હાલતમાં મળતા ચકચાર મચી
પાટડી, તા. 19 જુલાઇ 2020, રવિવાર
દસાડા તાલુકાના સુરેલ ગામની સીમમાં આવેલ ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં પ્રેમીપંખીડાની લાશ મળી આવી હતી જે અંગેની જાણ આસપાસના લોકોને થતાં આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને લાશનો કબ્જો લઈ પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથધરી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ દસાડા તાલુકાના સુરેલ ગામે રહેતાં યુવક યોગેશ વજુભાઈ વસાણી ઠાકોર અને ગામમાં જ રહેતી યુવતી હેતલબેન રધુભાઈ વડેચા ઠાકોર બંન્ને છેલ્લા દોઢ વર્ષથી એકબીજાના પ્રેમમાં હતાં. જ્યારે યુવતિના માતા-પિતાએ અન્ય જગ્યાએ તેણીનું સગપણ નક્કી કરતાં આ વાત પ્રેમી યોગેશને જાણ થઈ હતી આથી બંન્ને પ્રેમીપંખીડાઓ સુરેલ ગામના ખેતરમાં ભેગા થયાં હતાં અને ગામથી દુર ઓકળાના કાંઠે લીંબડાની ડાળ સાથે દુપટ્ટો બાંધી ટીંગાઈ જાઈ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી મોતને વ્હાલું કર્યું હતું. જ્યારે આ અંગેની જાણ ત્યાંથી પસાર થતાં લોકોને થતાં ઝીંઝુવાડા પોલીસને જાણ કરી હતી આથી પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને બંન્ને પ્રેમીપંખીડાઓની લાશનો કબ્જો લઈ પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથધરી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં યુવતિની અન્ય જગ્યાએ સગાઈ નક્કી થતાં બંન્ને પ્રેમીપંખીડાઓ એક થઈ શકે તેમ ન હોવાથી સજોડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે પ્રેમીપંખીડાના મોતથી પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી જ્યારે મૃતકના પિતા અને ભાઈ થોડા સમય પહેલા સુરેલ ગામમાં થયેલ હત્યાના કેસમાં સજા ભોગવી રહ્યાં છે.