ધોળકાના ઐતિહાસિક મલાવ તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય
- સફાઈ અંગે તંત્રનું ઓરમાયું વર્તન
- મુલાકાતે આવનારા પર્યટકો અને સહેલાણીઆ માટે સુવિધા ગોઠવવા માટે માંગણી કરાઇ
બગોદરા
ધોળકાનું ઐતિહાસિક મલાવ તળાવ પારાવાર ગંદકીને કારણે પોતાનું અસ્તિત્વ ગુમાવી રહ્યું છે. તળાવના પાણીમાં અને આસપાસ ગંદકી અને કચરાનું પ્રમાણ વધ્યું છે.
અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં આવેલુ ઐતિહાસિક મલાવ તળાવ જિલ્લાની આગવી ઓળખ સમાન છે. વર્ષો પહેલા મીનળદેવી દ્વારા નિર્માણ કરાયેલા આ તળાવ પ્રત્યે તંત્ર ઓરમાયુ વર્તન દાખવી રહ્યું હોય તેવી હાલત જોવા મળી રહી છે. તળાવ માટે સફાઇ સહિતની ગંભીર બેદરકારીથી જિલ્લાના પર્યાવરણ પ્રેમીઓ તંત્ર સામે ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. સરકાર દ્વારા કરોડો રૂપિયા તળાવના વિકાસ માટે ફાળવવામાં આવે છે, પરંતુ પુરાતત્વ વિભાગ દ્વારા આ તળાવનો વિકાસ કરવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા હોવાની લાગણી પ્રવર્તે છે.
તળાવમાં કચરાના ઢગ જોવા મળી રહ્યા છે અને ગંદકી ખદબદે છે. આ ઉપરાંત અનેક જગ્યાએ બાંધકામ તુટી ગયું છે.
તળાવની આસપાસ કોટ બનાવીને સહેલાણીઓ માટે સુવિધા વિકસાવવામાં આવે તેમ પણ અહીંના નાગરિકો ઇચ્છી રહ્યાં છે.