કોન્ટ્રાક્ટ બેઝ્ડ સફાઈ કામદારોને બાકી પગાર ચૂકવવાની શરૂઆત થતા આનંદ
- સુરેન્દ્રનગર-વઢવાણ નગરપાલિકાના
- મદદનીશ લેબર કમિશનરની મધ્યસ્થીથી કાર્યવાહી શરૂ થતા હડતાળનો પણ આપોઆપ અંત આવી ગયો
સુરેન્દ્રનગર, તા.20 જુલાઈ 2020, સોમવાર
સુરેન્દ્રનગર અને વઢવાણ નગરપાલિકામાં ફરજ બજાવતાં અનુ.જાતિના સફાઈ કામદારોને કોન્ટ્રાકટર દ્વારા છેલ્લા ચાર-પાંચ મહિનાથી પગાર ચુકવવામાં ન આવતાં ૧૫ દિવસથી સફાઈ કામગીરી બંધ કરી હડતાળ પર બેઠા હતાં અને દરરોજ અલગ-અલગ પ્રકારે કાર્યક્રમો પણ આપવામાં આવતાં હતાં તેમ છતાંય તંત્ર દ્વારા કોઈ જ પગલા ભરવામાં આવ્યાં નહોતા ત્યારે બહુમાળી ભવન ખાતે આવેલ મદદનીશ લેબર કમીશ્નરની કચેરી ખાતે સુત્રોચ્ચાર કરી રજુઆતો કરવામાં આવી હતી.
જેને પગલે મદદનીશ લેબર કમીશ્નર પાલિકા કચેરી ખાતે આવી પહોંચ્યા હતાં અને ચીફ ઓફીસર સાથે ચર્ચા વિચારણા કરી કામદારોના ખાતામાં હાલ એક મહિનાનો પગાર જમા કરવાની કાર્યવાહી હાથધરાતાં સફાઈ કામદારોની હડતાળનો સુખદ અંત આવ્યો હતો.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર અને વઢવાણ નગરપાલિકામાં અંદાજે ૪૦૦ જેટલાં અનુ.જાતિના કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારો ફરજ બજાવે છે. હાલ કોરોના વાયરસની મહામારી હોવા છતાં શહેરમાં સફાઈ કામગીરી કરી રહ્યાં છે તેમ છતાંય કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા ચાર-પાંચ મહિનાનો પગાર ચુકવવામાં ન આવતાં છેલ્લા ૧૫ દિવસથી સફાઈ કામગીરી બંધ કરી હડતાળ પર બેઠા હતાં અને દરરોજ અલગ-અલગ કાર્યક્રમો આપતાં હતાં. પરંતુ તંત્ર કે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ જ પગલા લેવામાં ન આવતાં આગેવાન મયુરભાઈ પાટડીયાની આગેવાનોમાં બહુમાળી ભવન ખાતે આવેલ મદદનીશ લેબર કમીશ્નરની કચેરી ખાતે સુત્રોચ્ચાર અને હલ્લાબોલ કરી ઉગ્ર રજુઆતો કરી હતી.
જેના ભાગરૂપે મદદનીશ લેબર કમીશ્નર શ્રીમતી એસ.એ.ભપ્પલ પાલિકા કચેરી ખાતે આવી પહોંચ્યા હતાં અને ચીફ ઓફીસર સાથે ચર્ચા વિચારણા કરી હતી જેને અંતે પાલિકા તંત્ર દ્વારા તમામ સફાઈ કામદારોની બેન્ક ખાતાની વિગતો અને પાસબુક માંગી હાલ એક મહિનાનો પગાર ખાતામાં જમા કરાવાની શરૂઆત કરી હતી ને બાકીનો પગાર પણ આઠ દિવસમાં જમા કરવાની ખાત્રી આપતાં કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોની હડતાળનો અંત આવ્યો હતો.