ધોળકા તાલુકાના ઉતેસિયા ગામમાં પતિએ જ પત્નીની હત્યા કરી નાખી
- નજીવી બાબતે ઝઘડો થતા ઉશ્કેરાઈને હત્યા કરી ભાગી ગયેલો પતિ ગણતરીના કલાકોમાં ઝડપાયો
બગોદરા, તા.4 જુલાઈ 2020, શનિવાર
અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દિન-પ્રતિદિન લુંટ, હત્યા, ફાયરીંગ સહિતના બનાવો વધી રહ્યાં છે ત્યારે ધોળકા તાલુકાના ઉતેલીયા ગામે દેવીપુજકવાસમાં એક મહિલાની હત્યાનો બનાવ બન્યો હતો જે અંગે કોઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી જેના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાના આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદી કનુભાઈ ધરમશીભાઈ ભોજવીયા રહે.પાળીયાદ તા.બોટાદવાળાની બહેન કમળાબેનના લગ્ન અંદાજે ૨૫ વર્ષ પહેલા ઉતેલીયા ખાતે રહેતાં વિનુભાઈ બબાભાઈ કાવીઠીયા (દેવીપુજક) સાથે થયાં હતાં અને લગ્નજીવન દરમ્યાન ત્રણ દિકરી અને એક દિકરો સહિત ચાર સંતાનો જન્મયાં હતાં. ત્યારે છેલ્લા ઘણા સમયથી પતિ વિનુભાઈ કાવીઠીયા કોઈ કામધંધો કરતાં નહોતા અને મચ્છી કાઢવા જેવી બાબતે પત્ની કમળાબેન સાથે બોલાચાલી થઈ હતી .જેનું મનદુઃખ રાખી વિનુભાઈ દ્વારા પત્નીની મચ્છી કાપવાના છરા વડે ગળા તેમજ હાથના ભાગે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા નીપજાવી નાસી છુટયો હતો. જે અંગે મૃતક પત્નીના ભાઈએ કોઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેને આધારે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં અને ગણતરીના કલાકોમાં પત્નીની હત્યાના આરોપી વિનુભાઈ બબાભાઈ કાવીઠીયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.