મૂળી તાલુકાના લીયા ગામે પીવાના પાણીના પોકાર : તંત્રની લાચારી
- સરપંચ દ્વારા પાણી પુરવઠા મંત્રીને રજૂઆત
મૂળી તા.3 મે 2019, શુક્રવાર
મૂળી તાલુકાનાં અનેક ગામોમાં પાણીની સમસ્યા લોકોને સતાવી રહીછે ત્યારે મૂળીનાં લીયા ગામે સરાથી લીયા સુધીની નર્મદાની લાઇન પંદર વર્ષથી નંખાઇ છે પરંતુ તેમ છતાં હજુ સુધીપાણી ન મળતા લોકોને ન છુટકે બોરનું પાણી પીવુ પડી રહ્યું છે.ત્યારે તંત્ર નર્મદાનું પાણી અપાય તેવી સરપંચ દ્વારા પાણીપુરવઠા મંત્રીને લેખિત ફરિયાદ કરાઇ છે.
મૂળી તાલુકામાં દર ઉનાળામાં પાણીની અછત જોવા મળેછે ત્યારે આજેપણ અનેક ગામો પાણીની સમસ્યા ભોગવી રહ્યા છે અને તંત્ર બધાજ ગામોમાં નર્મદાનું પાણી મળતુ હોવાનો દાવો કરી રહ્યું છે ત્યારે મૂળીનાં લીયા ગામે લોકોને નર્મદાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે પંદર વર્ષપહેલા તંત્ર દ્વારા સરાથી લીયા સુધી લાખોનાં ખર્ચે પાઇપલાઇન નાંખવામાં આવી છે પરંતુ હજુ સુધી લીયા ગામમાં પાણી ન પહોંચતા લોકોને ન છુટકે બોરનું પાણી પીવુ પડી રહ્યું છે પરંતુ ઉનાળામાં બોરનાં પાણી ખુટી જતા ટેન્કર થી પાણી પહોંચાડાઇ રહ્યું છે.
પરંતુ તંત્ર દ્વારા લાખોનો ખર્ચ પાણીમાં ગયો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આગામી સમયમાં લોકોને વધારે મુશ્કેલી ભોગવવી ન પડે તે માટે તંત્ર દ્વારા નર્મદાનું પાણી શરૂ કરાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. આ અંગે લીયાનાં સરપંચ તનવિરસિંહ રાણાએ જણાવ્યું હતુકે પંદર વર્ષથી પાઇપલાઇન નાંખવામાં આવી છે અને અમે અનેક વખત લેખિત આપી પ્રયત્નો કરી રહ્યા છીએ તેમ છતા હજુ સુધી પાણી ન મળતા લોકોને ભારે હાલાકી પડી રહી છે તેમજ ન છુટકે ટેન્કર મંગાવાની નોબત આવી છે ત્યારે તંત્ર દ્વારા નર્મદાનું પાણી કાયમી મળી રહે તે માટે પાણીપુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાને લેખિત રજુઆત કરાઇ છે.