મૂળીના સડલા ગામમાં દંપતીનો ભૂખ્યાની જઠરાગ્ની ઠારવાનો અનોખો સેવાયજ્ઞા
- ફંડ, ફાળો ઉઘરાવ્યા વગર રહેવા-જમવાની સગવડ અપાય છે
- નિરાધારો, સાધુ સંતો સહિતનાને જમવાની સાથે રહેવાનો ઉતારો પણ મફતમાં અપાય છે
સુરેન્દ્રનગર, તા.12 ડિસેમ્બર 2019, ગુરુવાર
ઝાલાવાડ અને સૌરાષ્ટ્રની ધરતી પર અનેક સંત અને સુરા જનમ્યા છે અહિં કેટલાય ગ્રહસ્થી સંતો પણ છે જેઓ સેવા પરમો ધર્મને ઉજાગર કરી રહ્યાં છે અને ગમે તેવો કપરો કાળ હોય કે પછી સંજોગ પણ તેમની મૌન સેવા ક્યારેય અટકતી નથી ત્યારે મુળી તાલુકાના સડલા ગામના ગોવિંદ ભગતના આંગણે આવતાં સંતો, સાધો અને નિરાધારોને છેલ્લા ૩૭ વર્ષની સવાર અને સાંજ અતિથિ રૂપે ભોજન કરાવવામાં આવે છે અને અવિરતપણે આ સેવાયજ્ઞા હાલ પણ ચાલી રહ્યો છે.
મુળી તાલુકાના સડલા ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલ ગોવિંદ ભગતનું અન્નક્ષેત્ર છેલ્લા ઘણા વર્ષોથી ચાલે છે અને તેઓ ક્યારેય પ્રસિધ્ધિ કે પ્રસશતીની ખેવના નથી રાખતાં અને જ્યાં ટુકડો ત્યાં હરિ ડુકડો એજ ભક્તિ અને ભજન સાથે અનેક નિરાધારોને સવાર-સાંજ ભોજન કરાવે છે જેમાં તેમનાં પત્ની અને પુત્રો નારાયણભાઈ તથા લાલો ઉર્ફે ભાવિનભાઈ પણ સેવા આપે છે.
જ્યારે ગામનાં ઝાંપે સીમેન્ટના પાઈપ બનાવતાં ગોવિંદ ભગતને ત્યાં વર્ષો પહેલા કોઈ સાધુ આરામ અને રાત્રી રોકાણ માટે પર્ધાયા હતાં તેમને ઉતારો કરાવવાની સાથે સાથે ભોજન પણ કરાવ્યું અને આંગણે આવેલા કોઈ અતિથિને ગ્રહસ્થી જમવા માટેની તૃચ્છા કરી હતી અને ત્યારથી આ સેવા પ્રવૃત્તિની શરૂઆત થઈ હતી. ગામ કે આસપાસ જતાં આવતાં સાધુ સંતો અને જરૂરીયાતવાળા નિરાધારોને અહિં ગોવિંદ ભગતને ત્યાં ઉતારો થાય છે અને બંન્ને ટાઈમ સવાર-સાંજ જમવાનું પણ નિઃશુલ્ક મળી રહી છે અને ગોવિંદ ભગતના પત્ની પોતે જ આ તમામ અતિથિઓ માટે રસોઈ પણ જાતે જ બનાવે છે.
પ્રભુ સ્મરણ કરતાં કરતાં રોટલા ઘડે છે અને દરેક કામ જાતે જ કરે છે તેમજ આંગણે આવેલાઓને પ્રેમથી જમાડે છે અને એમને ત્યાંથી ક્યારે કોઈ નિરાશ થઈને કે ભુખ્યુ ગયું નથી. જ્યારે ગોવિંદ ભગત આ સેવા પ્રવૃત્તિ માટે ક્યારેય કોઈ ફંડ ફાળો કે દાન લેતા નથી અને પોતે જે કમાય છે તેમાંથી પુણ્ય મેળવવામાં માને છે અને દેવાવાળો તેમજ ખાવાવાળો પણ રામ એવું દ્રઢપણે જણાવે છે. જ્યારે ટાઢ, તડકો કે વરસાદમાં અહિં સાધુઓને સલામત વિસામો પણ મળી રહે છે.
37 વર્ષ પહેલા સેવાયજ્ઞા શરૂ કર્યો અને આજે પણ ચાલુ
મુળી તાલુકાના સડલા ગામનાં ગોવિંદ ભગત અને તેમનાં પત્નીએ ૩૭ વર્ષ પહેલા પોતાના ઘેર સાધુ સંતો સહિત નિરાધારોને નિઃશુલ્ક રહેવા-જમવાની સેવાનો પ્રારંભ કર્યો હતો તેઓ આજે વૃધ્ધાવસ્થામાં હોવા છતાં આ સેવા અવિરતપણે ચાલી રહી છે અને તેમનાં બે પુત્રો અને પરિવારજનો પણ તેમાં સહકાર આપી સેવા કરી રહ્યાં છે.
ઘરની આવકમાંથી જ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે
સડલા ગામે ગોવિંદ ભગતના સીમેન્ટના પાઈપનું કારખાનું આવેલું છે અને આ કારખાના દ્વારા થતી આવકમાંથી જ આ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે અને કોઈપણ જાતનો ફંડફાળો કે દાન લીધા વગર આ સેવાનો યજ્ઞા છેલ્લા ૩૭ વર્ષથી ચલાવી રહ્યાં છે અને આજે પણ દરરોજ મોટીસંખ્યામાં સંતો મહંતો સહિત નિરાધારો તેનો લાભ લે છે.
જમાડયા બાદ મહેમાનને રોકડ દક્ષિણા પણ અપાય છે
સડલા ગામે વૃધ્ધ દંપતિ દ્વારા સાધુ સંતો અને નિરાધારોને ઘેર બનાવેલ રસોઈ પ્રેમથી જમાડવામાં આવે છે અને જમ્યા બાદ યથાશક્તિ અને નિરાધારોની જરૂરીયાત મુજબ રોકડ રૂપિયા ૨૦ થી લઈ રૂા. ૫,૦૦૦ સુધીની રકમ દક્ષિણા પેટે આપવામાં આવે છે.