ચોટીલા મામલતદાર અને પ્રાંતની કચેરીમાં અનેક કર્મચારીઓ, અરજદારો માસ્ક વગર ઝડપાયા
- કોરોનામાં માસ્ક પહેરવું ફરજિયાત છે ત્યારે
- ચેકિંગ દરમિયાન માસ્ક પહેર્યા વગર આવેલા નાયબ મામલતદાર કલાર્ક, તલાટી સહિતના કર્મચારીઓ પાસેથી દંડ વસૂલાયો
ચોટીલા, તા.1 જુલાઈ 2020, બુધવાર
ચોટીલા પ્રાંત અને મામલતદાર કચેરીમાં માસ્ક પહેરવાના નિયમના ચુસ્ત પાલન માટે અધિકારી દ્વારા ચેકિંગ કરાતા અનેક કર્મચારીઓ અરજદારો માસ્ક વગરનાં ઝપટે ચડી ગયા હતા અને દંડ વસુલવામાં આવતા ફફડાટ વ્યાપી ગયો હતો.
ઉચ્ચ અધિકારીની સુચનાથી કચેરીમાં આજે ઝુંબેશ કરવામાં આવેલ હતી જેમાં અનેક લોકો માસ્ક ન પહેરતા ઝડપાઈ ગયા હતા જેમાં નાયબ મામલતદાર, કલાર્ક, ઓપરેટરો, તલાટી સહિતનાં કર્મચારીઓ માસ્ક વગરના મળી આવેલ હતા તેમજ કામકાજ માટે આવતા અનેક અરજદારો પણ માસ્ક વગરના ઝડપાયેલ હતા.
અધિકારી દ્વારા વાંરવાર મૌખિક લેખિત સુચનાઓ આપવા છતાં નિયમની અમલવારી થતી ન હોવાથી આજે આ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી.
આજની ઝુંબેશમાં સરકારી કર્મચારીઓ અને અરજદારો મળી ૩૦ જેટલા લોકો માસ્ક વગરના ઝડપાયા હતા જે તમામ પાસેથી પોલીસે રૃા. ૨૦૦ લેખે દંડ વસુલ કરતા ફફડાટ વ્યાપી ગયો હતો.
આ અંગે પ્રાંત અધિકારી આર.બી. અંગારી અને મામલતદાર પી.એલ. ગોઠીએ જણાવ્યું હતું કે નિયમનું પાલન દંડ ફટકારી અમારી કચેરીથી શરૃ કરવામાં આવેલ છે. લોકોની સુખાકારી માટે આ ઝુંબેશ સમગ્ર શહેર અને વિસ્તારમાં કરવામાં આવશે.
આમ તો કાયદાની અમલવારી અને કોરોના સામે સાવચેતી માટે માસ્કના કાયદાની અમલવારી માટે મહત્વની ફરજ બજાવતી કચેરીમાં દંડની કાર્યવાહી કરી અધિકારીઓએ દાખલો બેસાડેલ હતો.