દસાડા તાલુકાના નાના ગોરૈયા ગામના ખેડૂતની લાશ મળી
હત્યા કરી લાશને ઓરડીમાં મુકી દીધી હોવાની ચર્ચાઓ
સેડલાની સીમમાં આવેલા ખેતરની ઓરડીમાંથી લાશ મળી આવતા ચકચાર
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જીલ્લામાં શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવવાના બનાવો વધી રહ્યાં છે ત્યારે દસાડા તાલુકાના સડલા ગામની સીમમાંથી નાના ગોરૈયા ગામના આધેડ ખેડૂતની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જે અંગેની જાણ પાટડી પોલીસ તેમજ સુરેન્દ્રનગર પોલીસને કરતાં એસ.પી.સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી.
આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ દસાડા તાલુકામાં હત્યા તેમજ મારામારી અને ચોરી સહિતના બનાવો વધી રહ્યાં છે ત્યારે સડલા ગામની સીમમાં નાના ગોરૈયા ગામના આધેડ ખેડૂત શાંતિલાલ બાબુભાઈ પટેલ ઉંમર વર્ષ-૫૨ ની પોતાના ખેતરમાં આવેલ ઓરડીમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી જેમાં મોડીરાત્રે અજાણ્યા શખ્સોએ ખેડુતની હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું હતું. આથી આ અંગેની જાણ કરતા પાટડી પોલીસ તેમજ જીલ્લા પોલીસવડા સહિતનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મૃતકની લાશનો કબ્જો લઈ પીએમ અર્થે પાટડી સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી હતી અને વધુ તપાસ હાથધરી હતી. હત્યા કરનાર કોઈ નજીકના સગામાંથી કે પરિવારમાંથી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે તેમજ મૃતકને ઓરડીમા ઘસેડી તેમજ ઝપાઝપી બાદ હત્યા નીપજાવી હોવાનું પણ બહાર આવ્યું છે તેમજ મૃતકના બરડાના ભાગે ઈજાના નિશાન પણ જોવા મળ્યા હતા જેથી ગળે ટુંપો દઈ મોતને ઘાટ ઉતારી ઓરડીમાં મૃતદેહ મુકી આરોપી નાસી છુટયો હતો. મૃતક આધેડનો પુત્ર મોરબી નોકરી કરતો હોવાથી તેમજ મૃત્યુ થયું હોવા છતાં હોસ્પીટલે ન આવતાં અનેક તર્ક વિતર્કો થવા લાગ્યા હતા. જ્યારે આધેડના મોતથી પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.