ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે પિતાપુત્ર પર અજાણ્યા શખ્સોનું ફાયરિંગ
- જમીનના ઝઘડામાં ફાયરિંગ કરાયું હોવાનું અનુમાન પિતા-પુત્ર સારવાર હેઠળ, આરોપીઓ ફરાર
ધ્રાંગધ્રા, તા. 18 જૂન 2020, ગુરૂવાર
હાલ સમગ્ર રાજ્યમાં એક તરફ કોરોના વાયરસે કહેર મચાવ્યો છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અત્યાર સુધીમાં ૮૬ જેટલાં પોઝીટીવ કેસો નોંધાઈ ચુક્યાં છે ત્યારે કોરોના વાયરસથી મહામારી દરમ્યાન પણ જિલ્લામાં મારામારી અને અથડામણ સહિત ફાયરીંગના બનાવો વધી રહ્યાં છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે પિતા અને પુત્ર પર દિન-દહાડે ફાયરીંગનો બનાવ બનતાં ચકચાર મચી જવા પામી હતી જે અંગે પોલીસે ફરિયાદની તજવીજ હાથધરી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા ખાતે રહેતાં દિલીપસિંહ બચુભા ઝાલા અને તેમના પુત્ર સુરપાલસિંહ દિલીપસિંહ ઝાલા પર ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે અજાણ્યા શખ્સો દ્વારા ફાયરીંગ કરવામાં આવ્યું હતું. ફાયરીંગ બાદ અજાણ્યા શખ્સો નાસી છુટયાં હતાં જ્યારે પિતા અને પુત્રને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે પ્રથમ ધ્રાંગધ્રા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યારે પ્રાથમિક તપાસમાં જમીન બાબતના ઝઘડાનું મનદુઃખ રાખી ફાયરીંગ કરવામાં આવ્યું હોવાની ચર્ચાઓ વહેતી થવાં લાગી હતી જ્યારે ઈજાગ્રસ્ત દિલીપસિંહ ઝાલા પેરોલ જમ્પ આરોપી હોવાનું અને અગાઉ થયેલ પોપટભાઈ ભરવાડની હત્યામાં સામેલ હોવાનું બહાર આવ્યું હતું જ્યારે આ બનાવથી જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને ફરિયાદની તજવીજ ધરી આરોપીઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.