ઘરેલુ હિંસાથી પીડિત પરિણીતાનું 181 અભયમ ટીમે સમાધાન કરાવ્યું
- મહિલા પતિ સહિત સાસરિયાથી કંટાળીને ન છૂટકે પિયરમાં રહેવા આવી ગઈ હતી
સુરેન્દ્રનગર, તા. 29 જાન્યુઆરી, 2021, શુક્રવાર
સુરેન્દ્રનગર જીલ્લામાં સામાજીક તેમજ ઘરેલું હિંસાના બનાવો વધી રહ્યાં છે ત્યારે વઢવાણ ખાતે રહેતી એક યુવતીએ પ્રેમલગ્ન કર્યા બાદ પતિ સહિત સાસરીયાપક્ષના સભ્યો દ્વારા શારીરિક અને માનસીક ત્રાસ આપવામાં આવતાં ઘરેલું હિંસાથી પીડીત પરણીતાનું સુરેન્દ્રનગર ૧૮૧ અભ્યમ ટીમ દ્વારા સુખદ સમાધાન કરાવવામાં આવ્યું હતું.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વઢવાણ ખાતે રહેતી યુવતીએ પોતાના માતા-પિતાની વિરૂધ્ધમાં જઈ પ્રેમલગ્ન કર્યા હતાં પરંતુ લગ્નજીવનના પાંચ મહિના દરમ્યાન પરણિતા પર પતિ સહિત સાસરીયાપક્ષના સભ્યો દ્વારા શારીરિક અને માનસીક ત્રાસ આપવામાં આવતો હતો તેમ છતાંય પરણિતા સહન કરી સાસરીયાપક્ષમાં શાંતીથી રહેતી હતી. પરંતુ ત્રાસ વધી જતાં પરણિતા પોતાના માતા-પિતાને ત્યાં પિયરપક્ષમાં આવી ગઈ હતી અને ત્યારબાદ પતિ કે અન્ય સાસરીયાપક્ષના સભ્યો દ્વારા તેણીને યાદ ન કરતાં હોવાથી પરણિતાએ પતિના ઘરે જઈ સમાધાન અંગેની ચર્ચા કરી હતી પરંતુ પતિ પોતાના ઘરમાં રાખવાની ના પાડી હતી અને છુટ્ટાછેડા સુધીની વાત પહોંચી જતાં ભોગ બનનાર પરણિતાએ ૧૮૧ અભ્યમ મહિલા હેલ્પલાઈનને જાણ કરી મદદ માંગી હતી આથી અભ્યમ ટીમના કાઉન્સીલર મધુબેન વાણીયા સહિતનાઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં અને પતિ સાથે વાતચીત તેમજ ચર્ચા વિચારણા કરી બંન્ને પક્ષોને સમજાવ્યા હતાં. આથી બંન્ને પક્ષના વડિલોની હાજરીમાં પરણિતાના પતિને કાયદાકીય માહિતી આપી તેની જવાબદારી અને ભવિષ્ય અંગેની સમજણ આપી ઘરેલું હિંસાથી પીડીત મહિલાનું સુખદ સમાધાન કરાવ્યું હતું.