- મહાદેવના મંદિરે અષાઢી અમાસના દિવસે
- મહારાષ્ટ્રના માલધારીઓમાં આ મેળામાં દર્શન અને માનતાનું અનેરૂ મહત્વ
સુરેન્દ્રનગર : લખતર તાલુકાના તલસાણા ગામે તલસાણીયા મહાદેવનું પૌરાણિક મંદિર આવેલુ છે. તલસાણીયા મહાદેવના મંદિર ખાતે અષાઢ વદ અમાસના દિવસે છેલ્લા ૧૦૦ વર્ષથી પરંપરાગત રીતે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. અષાઢ વદ અમાસના દિવસે યોજાયેલા લોકમેળા દરમ્યાન તલસાણા ગામના તાલુકદાર દ્વારા મંદિરના શીખર ઉપર ધ્વજારોહણ કરવામાં આવ્યુ હતુ.
એક લોકવાયકા મુજબ હાલ જે મંદિર આવેલુ છે, તેની બાજુમાં જ એક નાગદેવતાનો રાફડો આવેલો હતો. તે રાફડા પાસે સાંજના પાંચ વાગ્યાની આસપાસ ગામની ગાયોનું ઘણ જ્યારે ગામમાં જતુ હતુ, ત્યારે એક ગાય આ રાફડા પર આવીને ઉભી રહેતી. ત્યારે આપોઆપ ગાયના આંચળમાંથી દુધની ધારા વહેતી અને દુધ રાફડામાં જતુ.
લાંબો સમય આવુ ચાલવાથી ગાયના માલિકે એકવાર ચોકસાઈ કરી તો એને આખી ઘટનાની જાણ થઈ હતી. તેણે આવી ગામલોકોને સંપુર્ણ ઘટના જણાવી હતી. સમય જતા જ્યાં રાફડો હતો, ત્યાં તલસાણીયા દાદાનું શિખરબંધ મંદિર બનાવવામાં આવ્યુ હતુ.
તલસાણા ગામે યોજાતા લોકમેળામાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રમાંથી માલધારીઓ આવે છે અને દર્શન કરી પોતાની માનતાઓ પુર્ણ કરી ધન્યતા અનુભવે છે. દર અમાસના દિવસે મંદિરમાં ભંડારાનુ પણ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે મેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડયુ હતુ.


