Get The App

રામપુર ગામે પોઝિટિવ કેસ નોંધાયો છતાં તંત્રએ કામગીરી ન કરી હોવાનો આક્ષેપ

- જિલ્લામાં વધુ એક સ્થળે તંત્રની બેદરકારીની રાવ

- તંત્ર દ્વારા ક્વૉરન્ટાઈન કે સેનેટાઇઝની કામગીરી ન કરવામાં આવી હોવાની ચર્ચાએ જોર પકડયું

Updated: Jul 14th, 2020

GS TEAM

Google News
Google News
રામપુર ગામે પોઝિટિવ કેસ નોંધાયો છતાં તંત્રએ કામગીરી ન કરી હોવાનો આક્ષેપ 1 - image


બગોદરા, તા.13 જુલાઈ 2020,સોમવાર

અમદાવાદ જિલ્લાના ધોળકા, બાવળા અને બગોદરા તાલુકામાં કોરોના વાયરસે અજગરી ભરડો લીધો છે અને કોરોના વાયરસના પોઝીટીવ કેસો સતત વધી રહ્યો છે ત્યારે ધોળકા તાલુકાના રામપુર ગામે આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી અને ગ્રામજનો સહિત સરપંચ અને કોરોના પોઝીટીવ દર્દીના પરિવારજનોએ આરોગ્ય તંત્ર પર બેદરકારીનો આક્ષેપ લગાવ્યો હતો.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધોળકા તાલુકાના રામપુર ગામમાં અનેક વ્યક્તિઓને કોરોના પોઝીટીવ આવ્યા છે છતાં આરોગ્ય તંત્ર દ્વારા પોઝીટીવ દર્દીઓના પરિવારજનોને પણ ક્વોરન્ટાઈન કરવામાં આવતાં નથી. જ્યારે ગામમાં કોઈ વ્યક્તિને કોરોના પોઝીટીવ આવ્યો હતો છતાં પણ સેનેટાઈઝેશન સહિતની કામગીરી હાથધરવામાં આવતી નથી. એક તરફ રાજ્યના કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ધનવંતરી રથનું સમગ્ર વિસ્તાર માટે પ્રસ્થાન કરાવી કોરોના વાયરસ અંગે જાગૃતતા તેમજ ડોર ટુ ડોર ઉકાળો અને આયુર્વેદીક દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. 

ત્યારે રામપુર ગામમાં ધનવંતરી રથ માત્ર દેખાવ પુરતો ગ્રામ પંચાયતમાં આવી માત્ર ફોટા પડાવી જતાં રહે છે. ત્યારે રામપુર ગામના સરપંચના મકાન સામે જ કોરોના પોઝીટીવ આવ્યો હોવા છતાં આરોગ્ય વિભાગ દ્વારા હોમ ક્વોરન્ટાઈન બોર્ડ કે પરિવારના સભ્યોને પણ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં નથી. ગામમાં કોરોના પોઝીટીવ કેસ હોવા છતાં તંત્ર દ્વારા સરપંચને પણ જાણ કરવામાં આવતી નથી. 

આમ ધોળકા તાલુકામાં દરરોજ કોરોના વાયરસના પોઝીટીવ કેસો નોંધાતાં હોવા છતાં આરોગ્ય તંત્ર ગંભીરતા ન દાખવતાં હોવાનો સરપંચ સહિત ગ્રામજનો અને કોરોના પોઝીટીવ દર્દીઓના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.

Tags :