સાયલા લાલજી મહારાજની જગ્યામાં રહેતા યુવકમાં શંકાસ્પદ કોરોનાના લક્ષણ દેખાયા
- કોરોનાના વધતા હાહાકાર વચ્ચે
- યુવકને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ ખસેડાયો : આરોગ્ય અને પોલીસે સંતો સહિત ૧૨૬ લોકોનું સ્ક્રીનિંગ કર્યુ
સાયલા, તા.09 એપ્રિલ 2020, ગુરુવાર
સમગ્ર દેશમાં હાલ કોરોના વાયરસને પગલે લોકડાઉન ચાલી રહ્યું છે. ગુજરાતમાં પણ નોંધપાત્ર કેસોનો વધારો થયો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ સુધી એકપણ કોરોનાનો પોઝીટીવ કેસ ન નોંધાતા તંત્રએ રાહત અનુભવી હતી. જ્યારે સાયલા ખાતે લાલજી મહારાજની જગ્યામાં અજાણ્યા યુવકને કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાય આવતાં દોડધામ મચી જવા પામી હતી.
જે અંગેની જાણ આરોગ્ય તેમજ પોલીસ તંત્રને થતાં ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં મૌવા તરફનો અંદાજે ૩૫ વર્ષનો યુવક હોવાનું બહાર આવ્યું હતું અને શંકાસ્પદ લક્ષણો જણાય આવ્યા હતાં.જ્યારે આ યુવક ટ્રાવેલીંગ હિસ્ટ્રી ધરાવે છે જેમાં મૌવાથી વઢવાણ, કોઠારીયા રોડ પર આવેલ વજા ભગતની જગ્યા ખાતે રોકાયો હતો અને ત્યારબાદ હાલ સાયલા લાલજી મહારાજની જગ્યા ખાતે રોકાયો હતો જેની તબિયત લથડતાં સારવાર અર્થે સાયલાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં કોરોના વાયરસના લક્ષણો જણાતાં રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
જ્યારે યુવકમાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાય આવ્યા બાદ આરોગ્ય વિભાગની ટીમે સાયલા લાલજી મહારાજની જગ્યામાં રહેતા તમામ સાધુ-સંતો, સ્ટાફ તેમજ કર્મચારીઓ મળી અંદાજે ૧૨૬ જેટલા લોકોનું સ્ક્રીનીંગ કર્યું હતું અને આ તમામ લોકોને જ્યાં સુધી યુવકનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યાહતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સાયલા તાલુકામાં કોરોના વાયરસના શંકાસ્પદ કેસો નોંધાઈ ચૂકયા છે જે તમામના રિપાર્ટ નેગેટીવ આવ્યા હતાં. જ્યારે ફરી યુવકમાં શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો દેખાતાં ગ્રામજનોમાં ચિંતા જોવા મળી હતી અને સાયલા તાલુકામાં આ ચોથો કેસ નોંધાયો હતો.