ભર ઉનાળે સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ ઓવરફ્લો
- લાખો લિટર પાણી વેડફાયું
- ખેરાળી કેનાલમાં પાણીનો પ્રવાહ બંધ કરાતા ઓવરફ્લો થયો હોવાનું અનુમાન
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તાર આસપાસના ગામોને પાણી પુરૂ પાડતો ધોળીધજા ડેમ ભર ઉનાળે ઓવરફલો થતાં લાખો લિટર પાણીનો વેડફાટ થયો હતો. જેથી નર્મદા વિભાગની બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર સહિત આસપાસના ગામોને પાણી પુરૂ પાડતો ધોળીધજા ડેમ ભરઉનાળે અચાનક ઓવરફલો થતાં લાખો લિટર પાણીનો વેડફાટ થયો હતો. પ્રાથમિક તપાસમાં ગત તા.૧૬ એપ્રિલ મંગળવારના રોજ ખેરાળી ગામ પાસે નર્મદા કેનાલમાં ટ્રેકટર સાથે ખેડુત દંપતિ ખાબક્યું હતું, જેમની શોધખોળ હાથ ધરવા માટે પાણીનો પ્રવાહ બંધ કરવામાં આવતા ધોળીધજા ડેમ ઓવરફલો થયો હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.
એક તરફ તંત્ર દ્વારા શહેરી વિસ્તારોમાં લોકોને પીવા માટે પુરતું અને નિયમીત પાણી આપવામાં આવતું ના હોવાની ફરિયાદો ઉઠે છે. જ્યારે બીજી બાજુ નર્મદા વિભાગની બેદરકારીના કારણે ભરઉનાળે ધોળીધજા ડેમ ઓવરફલો થતાં લાખો લિટર પાણીનો વેડફાટ થતાં લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. અગાઉ પણ વરસાદ વગર બે થી ત્રણ વખત ધોળીધજા ડેમ ઓવરફલો થઈ ચુક્યો છે.