Gujarat

રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિએ સુરેન્દ્રનગરની સૂચક મુલાકાત લીધી

By GS Team
14 Jul 20202 mins read
This article was originally published on 14 Jul 2020
રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિએ સુરેન્દ્રનગરની સૂચક મુલાકાત લીધી

સુરેન્દ્રનગર,  તા. 14 જુલાઇ 2020, મંગળવાર

સમગ્ર વિશ્વ સાથે રાજ્યમાં પણ કોરોના વાયરસે કહેર મચાવ્યો છે અને સરકાર દ્વારા ત્રણ લોકડાઉન બાદ અનલોક-૧ અને હાલ અનલોક-૨ ચાલી રહ્યું છે ત્યારે રાજ્યભરમાં કોરોના વાયરસના નોંધપાત્ર કેસો વધવા લાગ્યાં છે જેના કારણે રાજ્ય સરકારની ચિંતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યના આરોગ્ય અગ્ર સચીવ જયંતિ રવીએ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત લીધી હતી.

આ અંગે સુત્રો પાસેથી મળતી મહિતી મુજબ સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના વાયરસનો કહેર વધી ગયો છે. ત્યારે જિલ્લામાં રોજ સરેરાશ ૨૦ થી ૨૫ જેટલાં કોરોના પોઝીટીવ કેસો નોંધાઈ રહ્યાં છે અને જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક અંદાજે ૩૬૦થી વધુ થઈ ચુક્યો છે. ત્યારે કોરોના વાયરસની સ્થિતિ અંગે સમીક્ષા કરવાના હેતુથી રાજ્યના આરોગ્ય અગ્ર સચીવ જયંતી રવીએ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત લીધી હતી. જેમાં સૌ પ્રથમ નવા સર્કીટ હાઉસ ખાતે આગમ થયાં બાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.

આ તકે જયંતી રવીએ તંત્રને બહારથી આવતાં લોકો પર વધુ ધ્યાન રાખી તેના આરોગ્યનું ચેકીંગ કરી જરૂરી કાર્યવાહી કરવી તેમજ હાલ જે વિસ્તારો કન્ટેઈનમેન્ટ અને બફર ઝોન જાહેર કરવામાં આવ્યાં છે તે તમામ વિસ્તારો સુધી સરકારનો ધનવંતરી રથ પહોંચે અને લોકો સુધી આયુર્વેદીક ઉકાળો અને દવા આપવામાં આવે અને માસ્ક સેનેટાઈઝર સહિતની તમામ ગાઈડલાઈનનું ચુસ્ત પણે પાલન કરવામાં આવે તેવી સુચનાઓ આપવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેકટર કે.રાજેશ, જિલ્લા વિકાસ અધિકારી સલીમ હુડ્ડા, મુખ્ય આરોગ્ય અધિકારી પી.કે.પરમાર સહિત આરોગ્ય વિભાગનાં અધિકારીઓ, વિવિધ વિભાગનાં અધિકારીઓ, હોદ્દેદારો સાથે કોરોના વાયરસની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. તેમજ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટાડવા  અંગે અધિકારીઓને જરૂરી સુચના તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.