લીંબડીમાં જગદીશ આશ્રમમાં તસ્કરો ત્રાટક્યા, દાનપેટી તોડી 90 હજારી રોકડ ચોરી ગયા
- લેકવ્યુ બિલ્ડિંગ પાસે આવેલી દુકાનનું પણ શટર તોડયું
- મંદિરમાં ચોરીના બનાવને પગલે ભક્તોમાં ભારે આક્રોશ, પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ આરંભી
લીંબડી : લીંબડીમાં અલગ અલગ બે જગ્યાએ તસ્કરોએ ચોરી કરી હતી. જેમાં જગદીશ આશ્રમ મંદિરમાં દાન પેટીમાં રહેલ રોકડ રકમ અંદાજે ૯૦ હજાર થી વધુના મુદ્દામાલની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. તથાં લેકવ્યુ બિલ્ડિંગ પાસે આવેલ દુકાનનું શટર તોડી ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામ્યો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું.
ભોગાવો નદીના કાંઠે જગદીશ આશ્રમ કે જ્યાં હજારો ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે લીબડી જગદીશ આશ્રમમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતાં અને મંદિરમાં રહેલી દાન પેટી માંથી રોકડ રકમની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામ્યો હતો.
આ બનાવની જાણ આશ્રમના ટ્રસ્ટી હેમેન્દ્રભાઈ યાજ્ઞિાકને થતાં તેમણે લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે આશ્રમની દાન પેટી દર ત્રણથી ચાર મહિને ખોલવામાં આવીતી હોય છે. જ્યારે તા. ૩ જુલાઈ ના દિવસે દાન પેટી ખોલવામાં આવી હતી જેમાં અંદાજે ૬૦ હજાર થી વધુ નુ દાન પ્રાપ્ત થયું હતું. ત્યાર પછી દાન પેટી ખોલવામાં આવી નથી ત્યારે આશ્રમમાં દિવાળી પર્વ નિમિત્તે આરાધના અગિયારસને દિવસ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. જેને કારણે બહાર ગામથી અને લીંબડી શહેર માંથી ત્રણેક હજાર થી વધુ હરીભકતો દર્શનાર્થે આવતાં હોય છે. અને સાથે સાથે દિવાળી હોવાથી હરી ભક્તોની અવર-જવર ખૂબ મોટા પ્રમાણમાં રહેતી હોવાથી દાન પેટી માં અંદાજે ૯૦ હજાર થી વધુ નુ દાન જમા થયું હોય તેવો અંદાજ છે. જેની તસ્કરો દ્વારા દાન પેટીના તાળા તોડી રોકડ રકમની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા.
આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધીને ઘટના સ્થળે પહોંચી આશ્રમના સીસીટીવી ફૂટેજ મેળવી ટેકનિકલ ટીમ, ડોગ સ્કવોડ, એલ.સી.બી સહિત ટીમો દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.