For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચુડાના જોરવરપરાના માર્ગ પર ગટરના ગંદા પાણી ફરી વળ્યા

Updated: May 23rd, 2023


- મચ્છરોનો ત્રાસ વધ્યો : ગંદકીથી વેપાર- ધંધા પર માઠી અસર

- ધંધાર્થીઓને હિજરત કરવી પડે તેવી સ્થિતિ : તંત્ર સત્વરે નિરાકરણ લાવે તેવી માગ

ચુડા : ચુડા શહેરના જોરવરપરા વિસ્તારમાં થતી ગંદકીથી સ્થાનિક રહીશો અને વેપારીઓ ત્રસ્ત બની ગયા છે. ગટરના ગંદા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. ગટરની દુર્ગંધના કારણે વેપાર ધંધા ઉપર માઠી અસર પડતી હોવાની વેપારીઓમાં રાવ ઉઠી છે ત્યારે સમસ્યાનું તંત્ર નિરાકરણ નહીં લાવે તો ધંધાદારીઓને વેપાર- ધંધા છોડી હિજરત કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

ચુડા શહેરમાં સૌથી વધુ વસ્તી ધરાવતા જોરવરપરા વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. જોરવરપરાના રહેણાંક વિસ્તારમાં ગટરના ગંદા પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાના કારણે મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ જોરવરપરાના મુખ્ય માર્ગ પર ગટરના ગંદા અને દુર્ગંધ મારતાં પાણીને કારણે વેપારીઓને પણ હાલાકી ભોગવવી પડી રહી છે. રોડ પરની દુકાનોની સામે જ ગટરના ગંદા પાણી ફરી વળ્યા છે. ગંદકીના કારણે ગ્રાહકોએ આવવાનું ટાળી રહ્યા હોવાથી વેપાર ધંધા પર માઠી અસર પડી રહી છે. ગંદકીથી ખદબદતા રોડ નજીકના દુકાનદારો અને રહીશોએ ગ્રામ અને તાલુકા પંચાયત કચેરીએ સમસ્યાનો ઉકેલ લાવવા અનેકવાર રજૂઆત કરી પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી. ગંદકીથી ત્રસ્ત વેપારીઓએ જણાવ્યું હતું કે ગટરના ગંદા પાણીની સમસ્યા હલ કરવામાં નહીં આવે તો નછૂટકે અમારે વેપાર ધંધા છોડી હિજરત કરવી પડશે.

Gujarat