વઢવાણ નગર પાલિકાના સફાઇ કામદારોને 5 મહિનાથી પગાર ન ચૂકવાતા હંગામો
- કોરોના વોરિયર્સ ગણાતા કર્મીઓને મહેનતાણાના ફાંફા
- કોન્ટ્રાક્ટરે પગાર ન આપતા કોન્ટ્રાક્ટ બેઝ્ડ કામદારોએ કામગીરીનો બહિષ્કાર કરી કચેરીમાં ધસી રોષ વ્યક્ત કર્યો
સુરેન્દ્રનગર, તા.8 જુલાઈ 2020, બુધવાર
સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકા તેમજ વઢવાણ નગરપાલિકામાં અનુ.જાતિના અતિપછાત એવાં વાલ્મીકી સમાજના અનેક કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારો વર્ષોથી ફરજ બજાવે છે છતાં પાલિકા કોન્ટ્રાકટર દ્વારા નિયમતી પગાર ચુકવવામાં ન આવતાં સફાઈ કામદારોની હાલત કફોડી બની છે.
ત્યારે સુરેન્દ્રનગર પાલિકાના કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોને પગાર ચુકવવામાં ન આવતાં હલ્લાબોલ કરી સફાઈ કામગીરી બંધ કરી હતી. જેના સમર્થનમાં વઢવાણ નગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોએ પણ પાલિકા કચેરી ખાતે રજુઆતો કરી સફાઈ કામગીરી બંધ કરવાનો નિર્ણય લેતાં ચકચાર મચી જવા પામી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વઢવાણ નગરપાલિકામાં અનુ.જાતિના અતિપછાત એવાં વાલ્મીકી સમાજના અંદાજે ૧૦૦થી વધુ સફાઈ કામદારો કોન્ટ્રાક્ટ બેઈઝ પર કામ કરી રહ્યાં છે અને કોરોના જેવી વૈશ્વિક મહામારી અને સંપૂર્ણ લોકડાઉન વચ્ચે પણ કોરોના વોરીયર્સ તરીકે જીવના જોખમે શહેરને સ્વચ્છ રાખવાની કામગીરી કરી રહ્યાં છે. ત્યારે કોન્ટ્રાકટર દ્વારા છેલ્લા પાંચ મહિનાથી પગાર ચુકવવામાં ન આવતાં હાલાકી ભોગવવાનો આવી રહ્યો છે. આ ઉપરાંત તંત્ર દ્વારા લઘુતમ વેતન મુજબ પગાર ચુકવવામાં આવતો નથી. આ અંગે અનેક વખત સફાઈ કામદારોએ પાલિકા તંત્રને મૌખિક અને લેખીત રજુઆતો કરવા છતાં આજ દિવસ સુધી કોન્ટ્રાકટર સામે કોઈ જ પગલા કે કાર્યવાહી કરવામાં આવી નથી તેમજ અગાઉ પણ રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં ગુજરાત રાજ્ય કર્મચારી સંઘના પ્રમુખ મયુરભાઈ પાટડીયાની આગેવાનીમાં સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ નગરપાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કરી રોષ દાખવ્યો હતો અને પગાર ચુકવવાની માંગ સાથે ઉગ્ર રજુઆતો કરી હતી. તેમજ સફાઈ કામગીરી બંધ રાખી સુરેન્દ્રનગર પાલિકાના કોન્ટ્રાક્ટ બેઈઝ કર્મચારીઓને સમર્થન આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર પાલિકાના કોન્ટ્રાક્ટ બેઈઝ કર્મચારીઓને પણ કોન્ટ્રક્ટર દ્વારા પગાર ચુકવવામાં ન આવતાં સફાઈ કામગીરી બંધ કરવામાં આવી છે. જ્યારે બીજે દિવસે વઢવાણ પાલિકાના પણ કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોએ હલ્લાબોલ કરી સફાઈ કામગીરી બંધ કરી હતી.
આમ સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં સફાઈ કામગીરી બંધ થતાં આગામી દિવસોમાં શહેરમાં ગંદકી ફેલાવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
જે અંગે બંન્ને પાલિકાના સફાઈ કામદારોએ સંયુક્ત નગરપાલિકાના વહિવટદારને લેખીત રજુઆત કરી હતી.