સાયલાના યુવકનું સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલમાં મોત થતાં હોબાળો
- મૃતદેહ સાયલા સ્મશાનગૃહમાં લવાતા આરોગ્ય કર્મચારીઓ, મામલતદાર અને પોલીસ કાફલો દોડી આવ્યો : રિપોર્ટ હજી બાકી
સાયલા, તા. 12 જુન 2020, શુક્રવાર
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે અને શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો વધી રહ્યાં છે ત્યારે સાયલા ગામે રહેતાં યુવકનું શંકાસ્પદ હાલતમાં મોત નીપજ્યું હતું જેમાં યુવકનું કોરોનાથી મોત નીપજ્યું હોવાની ચર્ચાઓ વહેતી થવાં લાગી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે રહેતાં યુવક યોગેશભાઈ અરવિંદભાઈ મોરી ઉ.વ.૩૦ને શંકાસ્પદ કોરોના વાયરસનાં લક્ષણો જણાતાં સારવાર અર્થે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જે દરમ્યાન શંકાસ્પદ હાલતમાં યુવકનું સુરેન્દ્રનગર હોસ્પીટલ ખાતે મોત નીપજ્યું હતું. આથી યુવકના મૃતદેહને સાયલા સ્મશાન ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં આરોગ્ય વિભાગની ટીમ, સાયલા મામલતદાર, પોલીસ સહિતનો કાફલો સ્મશાન ખાતે દોડી આવ્યો હતો અને આરોગ્ય વિભાગ દ્વારા અન્ય લોકોને પણ પીપીઈ કીટ પહેરાવામાં આવી હતી અને ત્યારબાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં જ્યારે આ અંગે સાયલા બ્લોક હેલ્થ ઓફીસર મકવાણાના જણાવ્યા મુજબ હાલ મૃતકનો રીપોર્ટ કરવામાં આવ્યો છે અને રીપોર્ટ આવ્યાં બાદ મોતનું સાચું કારણ બહાર આવશે જો કે લોકમુખે થતી ચર્ચાઓ મુજબ યુવકને કોરોના પોઝીટીવ આવ્યો હોવાની આશંકાઓ પણ સેવાઈ રહી છે.