સુરેન્દ્રનગર: સાયલા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ખેડૂતોની માગ, પાણીની ભારે અછત અંગે મામલતદારને કરી રજૂઆત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surendranagar Sayla Darmers Demand Drought Affected: ગુજરાતમાં આ વખતે ચોમાસું નબળું રહેતા રાજ્ય સરકારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકા સહિતના વિસ્તારોમાં ચોમાસામાં ઓછો વરસાદ થતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. પાણીની ભારે અછતના કારણે સાયલા તાલુકાના ખેડૂતો પર સંકટના વાદળો છવાયા છે, ત્યારે સોમવારે(2 નવેમ્બર) તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ સાથે ખેડૂતોએ મામલતદાર કચેરી પહોંચી આવેદનપત્ર આપ્યું હતું.
સાયલા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ખેડૂતોની માગ
ખેડૂતોએ જણાવ્યું કે, સાયલામાં સામાન્ય કરતાં 50 ટકા ઓછો વરસાદ પડ્યો છે. આ દરમિયાન કૂવા, બોરવેલ અને તળાવોમાં પાણીની અછતની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે પાણી વગર કપાસ, મગફળી, તલ સહિતના પાક સૂકાવા લાગ્યા છે. બીજી તરફ, પશુઓ માટેના ઘાસચારા અને પીવાના પાણીની સમસ્યા પણ ગંભીર બની છે.
પાણીની ભારે અછત અંગે મામલતદારને રજૂઆત
પાણીની ભારે અછતને પગલે સાયલા તાલુકાને તાત્કાલિક અસરથી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને અધિકારીને આવેદનપત્ર પાઠવી પોતાની વેદના વ્યક્ત કરી હતી. તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની સાથે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં સમાવેશ કરવાની ખેડૂતોએ રજૂઆત કરી હતી.
સૌરાષ્ટ્રમાં ભારે તકલીફ
સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ચાલુ વર્ષે ઓછો વરસાદ નોંધાવાને કારણે પાણી અને ઘાસચારાની ગંભીર સમસ્યા ઊભી થઈ છે, જેના કારણે માલધારી અને પશુપાલકોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. પશુધનને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે વિશેષ આર્થિક રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી માલધારી સમાજ દ્વારા માગ કરવામાં આવી હતી. અનેક પશુપાલકો હિજરત કરવા મજબૂર થયા હતા.




