સોનગઢ ગામના સુરજદેવળ મંદિર પાસે સેન્ડ સ્ટોનનું ખનન પકડાયું
- થાનગઢ પાસે ખાણ-ખનીજ વિભાગનું ચેકિંગ
- એસ્કવેટર મશીન, ડમ્પર સહિત 80 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને થાન પોલીસને સોંપ્યો
સુરેન્દ્રનગર : થાનગઢ નજીક સોનગઢ પાસે આવેલા જુના સુરજદેવળ મંદિર પાસે જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરીને સેન્ડ સ્ટોનના ગેરકાયદે ખનન ઉપરથી એસ્કાવેટર મશીન તથા સિલિકા સેન્ડ ભરેલું ડમ્પર કબજે કરાયું છે.
થાનગઢ નજીક આવેલ રક્ષીત સ્મારક જુના સુરજદેવળ આજુબાજુ ખનીજચોરી માટે મોટાપાયે ગેરકાયદે ખનનની પ્રવૃતિ ચાલતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ ગેરકાયદે પ્રવૃતિથી રક્ષિત સ્મારક જુના સુરજદેવળને નુકશાન થવાની દહેશત વ્યક્ત થાય છે. આથી જિલ્લા કલેકટર દ્વારા સુચના અપાતા જિલ્લા ખાણ ખનીજ ખાતાની ટીમ દ્વારા રવિવારે થાનગઢ નજીક સોનગઢ પાસે જુના સુરજદેવળ મંદિરની આજુબાજુના વિસ્તારમાં અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવતા સુરજદેવળ મંદિરની પૂર્વ તરફ સેન્ડ સ્ટોનનું ગેરકાયદે ખનન ઝડપાયું હતું. સ્થળ ઉપરથી જેસીબી કંપનીનું એસ્કાવેટર મશીન કબ્જે કરવામાં આવ્યું હતું. તપાસ ટીમ દ્વારા તાજા ખનનવાળા વિસ્તારની સ્થળ સ્થિતી દર્શાવતા ફોટા તેમજ જી.પી.એસ. પોઈન્ટ લેવામાં આવ્યા હતા. ઉપરાંત આ જ વિસ્તારમાં સોનગઢ રોડ ઉપરથી સિલિકા સેન્ડનું ગેરકાયદે વહન કરતું ડમ્પર ઝડપી લેવામાં આવ્યું હતું. ખાણ ખનીજ વિભાગે રૂા.૮૦ લાખની કિંમતના બન્ને વાહનો સીઝ કરીને થાન પોલીસ સ્ટેશને સોંપ્યા છે.