બગોદરા, તા.1 જુલાઈ 2020, બુધવાર
અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરી વિસ્તાર સહિત તાલુકામાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો સતત વધી રહ્યાં છે ત્યારે ધોળકા તાલુકામાં એક સાથે અલગ-અલગ ગામોમાં ચાર જેટલી સગર્ભા મહિલાઓને કોરોના પોઝીટીવ આવતાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો અને તમામ સગર્ભા મહિલાઓને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધોળકા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસ સતત વધી રહ્યાં છે ત્યારે ધોળકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાર સગર્ભા મહિલાઓને કોરોના પોઝીટીવ આવ્યો હતો. જેમાં કેલીયા વાસણા ગામે સોલંકીવાસમાં બે, મોટાભાગમાં એક તથા બદરખા ગામે એક મળી કુલ ચાર જેટલી સગર્ભા મહિલાઓને કોરોના પોઝીટીવ આવતાં સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવી હતી. જ્યારે આ સાથે ધોળકા તાલુકામાં કોરોના પોઝીટીવ આંક ૨૫૯ ઉપર પહોંચ્યો હતો. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધતાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.


