ધ્રાંગધ્રામાં અષાઢી બીજના રોજ નિકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા મોકુફ
- કોરોના વાઈરસની મહામારીના કારણે
- શહેર-તાલુકાના શ્રધ્ધાળુઓને જગન્નાથજીની પૂજા અને આરતીનો ઓનલાઇન લાભ લેવા અનુરોધ કરાયો
ધ્રાંગધ્રા, તા.21 જૂન 2020, રવિવાર
સમગ્ર રાજ્યમાં ઠેરઠેર અષાઢી બીજને દિવસે ભગવાનશ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે ધ્રાંગધ્રા ખાતે પણ છેલ્લા ૭ વર્ષથી શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરૃકુળ તથા રથયાત્રા સમિતિ દ્વારા રથયાત્રા યોજાય છે પરંતુ ચાલુ વર્ષે કોરોના વાયરસની મહામારીને કારણે રથયાત્રાનું આયોજન અલગ પ્રકારે કરવામાં આવ્યું છે.
જેમાં કોરોના વાયરસનું સંક્રમણ ન વધે તે માટે દરેક ધર્મપ્રેમી જનતાને પોતપોતાના ઘેર ભગવાનશ્રી જગન્નાથજીનું પુજન અને આરતી કરી રથયાત્રાના પવિત્ર પર્વને ઉજવવા તેમજ જગન્નાથજીના ચરણોમાં કોરોના વાયરસની મહામારીમાંથી તમામ મનુષ્યોની રક્ષા કરવાનું અને ગુરૃકુળના દિવ્યદર્શન સ્વામી દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેમજ શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરૃકુળ ખાતે અષાઢી બીજને તા.૨૩-૦૬-૨૦૨૦ને મંગળવારના રોજ સવારના ૧૦-૦૦ વાગ્યાથી ૧૧-૦૦ વાગ્યા સુધી ભગવાનશ્રી જગન્નાથજીનું પુજન અને આરતી વગેરે સોશ્યલ ડિસેટેન્સીંગ અને સેનીટેશન પ્રક્રિયાનું પુરેપુરૃ ધ્યાન રાખવામાં આવશે. જેના ઓનલાઈન દર્શનનો લાભ યુટુબ સંસ્કારધામ ગુરૃકુળ ચેનલ પર હરીભક્તો તેમજ ભક્તજનોને ઘેર બેઠા મળશે તેમ શ્રી સ્વામીનારાયણ સંસ્કાધામ ગુરૃકુળ તેમજ રથયાત્રા સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું.