Gujarat

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના કેસો અંગે સાચા આંકડા ન અપાતા હોવાની રાવ

By GS Team
15 Jul 20202 mins read
This article was originally published on 15 Jul 2020
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના કેસો અંગે સાચા આંકડા ન અપાતા હોવાની રાવ

સુરેન્દ્રનગર, તા.15 જુલાઈ 2020, બુધવાર

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના વાયરસના કેસો વધી રહ્યાં છે પરંતુ સરકારી તંત્રના ચોપડે ઓછા કેસ નોંધાતાં હોવાની વ્યાપક ફરિયાદો જઈ રહી છે. ત્યારે આ અંગે ઉચ્ચકક્ષાએથી તપાસ હાથધરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યાં છે. ત્યારે જિલ્લામાં કોરોના વાયરસનું સાચો આંક બહાર આવતો નથીન અને સરકારી ચોપડે ઓછા કેસ નોંધાતાં હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જેમાં લોકોના જણાવ્યા મુજબ સામાન્ય શરદી કે ઉધરસ જેવાં લક્ષણો જણાતાં અમુક લોકો જાતે જ સરકારી હોસ્પીટલને બદલે ખાનગી હોસ્પીટલમાં સીટી સ્કેન કરાવે છે. ત્યારે આ સીટી સ્કેનના રીપોર્ટમાં શંકાસ્પદ લક્ષણો જણાઈ આવતાં અનેક લોકો સરકારી હોસ્પીટલને બદલે અમદાવાદ કે રાજકોટની હોસ્પીટલોમાં સારવાર અર્થે દાખલ થઈ જાય છે. ત્યારે જિલ્લાના બહારગામ સારવાર લઈ રહેલ દર્દીઓનો સત્તાવાર આંકડો સ્થાનિક સરકારી તંત્ર પાસે હોતો નથી અને એકંદરે આવા વ્યક્તિઓને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવે તો સરકારી તંત્રને પણ ખ્યાલ હોતો નથી. આથી તંત્ર દ્વારા શહેરી અને તાલુકાકક્ષાએ સીટીસ્કેન સહિતના રીપોર્ટ અને તપાસ કરતી ખાનગી લેબોરેટરી કે સંસ્થાવાળાને કડક સુચનાઓ આપવામાં આવે અને તેમને ત્યાં આવતાં દર્દીઓના રીપોર્ટમાં શંકાસ્પદ લક્ષણ જણાય આવે તો તરત જ આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવે તો જિલ્લાનો સાચો કોરોના આંક બહાર આવી શકે તેમ છે અને સંક્રમણ ફેલાવતું અટકાવી શકાય તેમ છે. તેમજ તંત્રને પણ તેને આધારે કન્ટેનમેન્ટ અને બફર ઝોન જાહેર કરવામાં સરળતાં રહેશે આથી આ અંગે ઉચ્ચકક્ષાએથી તપાસ હાથધરવામાં આવે તેવી માંગ છે.