સુરેન્દ્રનગર તા. 29 જુલાઈ 2019, સોમવાર
સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વાતાવરણમાં પલટો આવતાં શહેરી તેમજ તમામ તાલુકાઓમાં ધીમી ધારેથી લઈ ધોધમાર વરસાદ પડતાં ખેડુતો સહિત ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઈ જવાં પામી હતી. તેમજ લાંબા સમયનાં વિરામ બાદ સીઝનનો સૌથી સારો વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી જવાં પામી હતી.
સુરેન્દ્રનગર જિલ્લો ખેતી આધારીત જિલ્લો છે અને જિલ્લા ભરનાં ખેડુતો પોતાની આગવી કોઠા સુઝ મુજબ મહામહેનતે વરસાદ પર નિર્ભર લઈ પાકોનું વાવેતર કરે છે ત્યારે ચાલુ વર્ષે પણ જિલ્લાભરનાં ખેડુતોએ પોતાની જમીનમાં પાકોનું વાવેતર કરી નાંખ્યું હતું અને આકાશ તરફ વરસાદની રાહ જોઈને બેઠા હતાં પરંતુ ચોમાસાની શરૂઆતમાં જિલ્લામાં વરસાદનું આગમન થયું હતું જો કે આ વરસાદ માત્ર કહેવા પુરતો હોય ખેડુતોના પાકો માટે ઉપયોગી સાબીત થયો નહોતો અને ત્યારબાદ લાંબા સમય સુધી વરસાદ ન પડતાં ખેડુતોમાં ચિંતાની લાગણી જોવા મળી હતી. જ્યારે બીજી બાજુ રાજ્ય સરકાર દ્વારા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય તેમજ બ્રાંન્ચ કેનાલોમાં પણ ખેતી અને સીંચાઈ માટે પાણી આપવામાં ન આવતાં ખેડુતોને માત્ર વરસાદ પર જ આધાર રાખવો પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.
જ્યારે તાજેતરમાં સમગ્ર ગુજરાત પર બે સીસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા આગામી ચાર-પાંચ દિવસ ભારેથી લઈ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદનું આગમન થયું હતું. લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદ પડતાં ખેડુતો સહિત ગ્રામજનો તેમજ શહેરીજનોમાં આનંદની લાગણી ફેલાઈ જવાં પામી હતી.
જ્યારે ખેડુતોના પાકને વરસાદને પગલે જીવતદાન મળ્યું હતું અને એકંદરે થઈ રહેલ નુકશાનીમાંથી રાહત મળી હતી. સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર, વઢવાણ સહિત શહેરી વિસ્તારોમાં સવારથી જ સાંજ સુધી જોરદાર વરસાદી ઝાપટાં નોંધાયા હતાં. જ્યારે જિલ્લાનાં ચોટીલા અને થાન તાલુકામાં સૌથી વધુ વરસાદ પડયો હતો આ ઉપરાંત જિલ્લાનાં લીંબડી, ચુડા, સાયલા, ધ્રાંગધ્રા, લખતર, મુળી સહિતના તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ પડયો હતો.
સુરેન્દ્રનગર - વઢવાણના શહેરી વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા
સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં પણ સારા વરસાદને પગલે શહેરનાં મુખ્ય માર્ગો સહિત અનેક રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલનાં અભાવે વરસાદી પાણી ભરાઈ રહેતાં અનેક વિદ્યાર્થીઓ સહિત વાહનચાલકો અને શહેરીજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો અને પાલિકા તંત્રને પ્રીમોનસુન કામગીરી સામે પણ રોષ જોવા મળ્યો હતો.
સવારથી રાત્રે ૮ સુધીનો વરસાદ
|
તાલુકાનું નામ |
વરસાદ (મીમી) |
|
ચોટીલા |
૬૪ |
|
થાન |
૩૯ |
|
વઢવાણ |
૧૮ |
|
મુળી |
૧૬ |
|
પાટડી |
૧૦ |
|
લીંબડી |
૦૫ |
|
સાયલા |
૦૪ |
|
ધ્રાંગધ્રા |
૦૦ |
|
ચુડા |
૦૦ |
|
લખતર |
૦૦ |


