સુરેન્દ્રનગરના માનવ મંદિર વિસ્તારમાં રસ્તાની વચ્ચે દબાણ કરાતા રજૂઆત
- માથાભારે શખ્સો સામે પાલિકા તંત્ર ઘૂંટણીયે
- ચાંમુડાપરામાં થયેલા દબાણ મુદ્દે ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પણ રજૂઆત કરાઇ છતાં પરિણામ શૂન્ય
સુરેન્દ્રનગર, તા.8 જુલાઈ 2020, બુધવાર
સુરેન્દ્રનગર જિલ્લામાં માથાભારે શખ્સો દ્વારા ગેરકાયદેસર દબાણ અને બાંધકામના બનાવો વધી રહ્યાં છે ત્યારે સુરેન્દ્રનગર પાલિકાની હદમાં માનવ મંદિર વિસ્તારમાં આવેલ ચામુંડાપરામાં રસ્તાની વચ્ચે ગેરકાયદેસર દબાણ કરવામાં આવતાં સ્થાનિક રહિશોએ કલેકટર કચેરી ખાતે એકત્ર થઈ ઉગ્ર રજુઆતો કરી હતી અને જાહેર રસ્તા પરનું દબાણ દુર કરવા લેખીત રજુઆત કરી હતી.
સુરેન્દ્રનગર પાલિકાની હદમાં આવેલ મુળચંદ રોડ, માનવ મંદિર વિસ્તારમાં આવેલ ચામુંડાપરા વિસ્તારની સર્વે નંબર ૧૯૬૨વાળી જમીન બિનખેતી થયેલ છે અને આ વિસ્તારમાં અંદાજે ૪૦૦થી વધુ પરિવારો વસવાટ કરી રહ્યાં છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં મેઈન રોડ એટલે કે મુળચંદ તરફ જતાં રસ્તની વચોવચ્ચ ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે અને હાલ ગેરકાયદેસર રીતે બાંધકામ શરૃ કરવામાં આવ્યું છે.
તેમજ જાહેર રસ્તો બંધ કરી દેતાં ચામુંડાપરા સહિત આસપાસના વિસ્તારોમાં રહેતાં લોકોને અવર-જવર કરવા માટે હાલાકી પડી રહી છે.
જે અંગે અગાઉ અનેક વખત લેખીત તેમજ મૌખિક અને ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં સ્થાનિક રહિશોએ જિલ્લા કલેકટર કચેરી ખાતે એકત્ર થઈ ઉગ્ર રજુઆતો કરી હતી અને ગેરકાયદેસર દબાણો દુર કરી જાહેર રસ્તો ખુલ્લો કરવાની માંગ કરી હતી.