Updated: Mar 17th, 2023
- ચુડામાં અડધો ઇંચ, લખતર-લીંબડીમાં 9 મિ.મી. વરસાદ ગુરૂવારે પડયો
- અનેક વુક્ષો ધરાશાયી, 45 વીજ પોલ તૂટી પડયા, વીજ ટીમોએ શુક્રવારે સવાર સુધીમાં વીજ પુરવઠો પૂર્વવત કર્યો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં પડેલ કમૌસમી માવઠાથી ખેતીને નુકશાન થવાની ભીતી સેવાઈ રહી છે. ગુરૂવારે લીંબડી, ચુડા અને લખતર પંથકમાં પડેલા માવઠાએ ખેડુતોનાં જીવ ઉંચા કરી દીધા હતા. તેજ પવન અને મીની વાવાઝોડાથી જી.ઈ.બી.ને પણ દોડધામ રહી હતી. ૪૫ જેટલા વિજપોલ પડી જતા ૩૦ ગામોમાં અંધારપટ છવાયો હતો. વિજતંત્રએ તાકીદે રીપેરીંગ કાર્ય હાથ ધર્યું હતું. લીંબડી અને ચુડા તાલુકામાં ગુરૂવારે મોડી સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવતાં વાવાઝોડા સાથે વરસેલા વરસાદ- અને કરાથી ગ્રામ્ય વિસ્તારોમાં ભારે તારાજીના વાવડ મળ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં ઉભા પાકને ભારે નુકસાન થયું છે તો બીજી તરફ ૪૦થી વધુ વૃક્ષો ધરાશાયી થવાના કારણે વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો.
આ અંગેની વધુ વિગત એવી છે કે, હવામાન ખાતાની આગાહી મુજબ સુરેન્દ્રનગર જીલ્લામાં ગુરૂવારે મીની વાવાઝોડા સાથે વરસાદ પડયો હતો. ભરઉનાળામાં માવઠા રૂપે વરસેલા આ વરસાદે ખેડુતોનાં જીવ અધ્ધર કરી દીધા છે. ગુરૂવારે મોડીસાંજે લીંબડી અને ચુડા પંથકમાં ભારે પવન સાથે કમૌસમી વરસાદ પડયો હતો. કેટલીક જગ્યાએ કરા પડયા હતા. ખેતરોમાં કરા પડતા અને વરસાદ થતા પાકને નુકશાન થવાની દહેશત સાથે ખેડુતોમાં ચિંતાની લાગણી ફેલાઈ હતી.
લખતર પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. કંન્ટ્રોલ રૂમનાં જણાવ્યા પ્રમાણે લખતર તાલુકામાં ૯ મી.મી. લીંબડી તાલુકામાં ૯ મી.મી. અને ચુડા તાલુકામાં ૧૬ મી.મી. (અડધો ઈંચ) વરસાદ નોંધાયો હતો. મીની વાવાઝોડાને કારણે ખેતરોમાં પાક આડો વળી જવાની ઘટનાઓ બની હતી. લીંબડી, ચુડા પંથકમાં વિજપોલને પણ નુકશાન થયું હતું. લીંબડી, ચુડા તાલુકાનાં ચોકડી, રાસકા, ચાચકા, બોડીયા સહિતનાં ૩૦ જેટલા ગામોમાં વિજપુરવઠો ઠપ્પ થઈ ગયો હતો. ભારે પવનને કારણે લીંબડી, ચુડા તાલુકામાં ૪૫ જેટલા વિજપોલ પડી જતા અને ૬૬ કે.વી. લાઈન તુટી જતા પુ.ગુ.વિજકંપનીને ભારે નુકશાન થયું છે. વિજપોલ પડી જવાથી લીંબડી, ચુડા તાલુકાનાં અંધારપટ છવાયો હતો. ૩૦ જેટલા ગામોમાં વિજપુરવઠો ઠપ્પ થતા પ.ગુ.વીજકંપનીની ૧૨ થી ૧૫ ટીમોએ આખી રાત રીપેરીંગ કાર્ય હાથ ધરીને વહેલી સવાર સુધીમાં વિજપુરવઠો પૂર્વવત કરી દીધો હતો. અત્રે નોંધનીય છે કે, કમૌસમી માવઠાથી વરીયાળી, ઘઉં, કપાસ, એરંડાને નુકશાન થવાની ભીતી સેવાઈ રહી છે.
લીંબડી, ચુડા, તાલુકામાં ૪૫ વિજપોલ પડી જતા વિજતંત્રને નુકશાન
લીંબડી, ચુડા તાલુકામાં ગુરૂવારે મોડીસાંજે વાવાઝોડા સાથે કરા સહિતનો વરસાદ પડતા ૪૫ જેટલા વિજપોલ પડી ગયા હતા. ૬૬ કે.વી.ની લાઈન તુટી ગઈ હતી અને ૩૦ જેટલા ગામોમાં અંધારપટ છવાઈ ગયો હતો. પ.ગુ.વિજકંપનીની ૧૨ થી ૧૫ ટીમોએ આખી રાત રીપેરીંગ કાર્ય હાથ ધરીને આ ગામોમાં વિજપુરવઠો પૂર્વવત કર્યો હતો એમ પ.ગુ.વિજકંપનીનાં સતાણીભાઈએ જણાવેલ છે.