બાવળા, બગોદરા અને ધોળકા તાલુકામાં વરસાદી પાણી ભરાતા તંત્રની પોલ ખુલી
- ચંડીસર-ધૂળજીપુરામાં ૨૦થી વધુ ઘરોનાં પતરાં ઉડી ગયેલા : અનેક ગામોમાં આફત વરસી છે
બગોદરા, તા.6 જૂન 2020, શનિવાર
સમગ્ર રાજ્યમાં ચોમાસાની શરૃઆત થઈ ચુકી છે ત્યારે અમદાવાદા જિલ્લાના બાવળા, ધોળકા, બગોદરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી જેમાં ધોળકા તાલુકામાં વાવાઝોડા ખાતે વરસાદ પડતાં શહેરમાં પહેલા જ વરસાદમાં ઠેરઠેર પાણી ભરાઈ જતાં તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ હતી.
જેમાં માધીયાથી આઈટીઆઈ તરફ જવાના રસ્તા પર સોસાયટી સામે જ પાણી ભરાઈ ગયું હતું જે વરસોથી સમસ્યા છે પરંતુ તંત્ર દ્વારા તેનો યોગ્ય નિકાલ કરવામાં ન આવતાં સોસાયટીના રહીશો, મુજપુર ગામના રહિશો, આઈટીઆઈમાં જતાં અધિકારીઓ સહિતનાઓને ભારે હાલાકી પડી રહી છે.
જ્યારે બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારો ચંડીસર અને ધુળજીપુરા ગામે વાવાઝોડા સાથે વરસાદ પડતાં અંદાજે ૨૦થી વધુ ઘરોના પતરા ઉડી ગયાં હતાં તેમજ ગામમાં સહકારી મંડળીની છત પણ ઉડી જતાં ખાતરની બોરીઓ વરસાદમાં પલળી ગઈ હતી. આ ઉપરાંત ભેંસ પર ઝાડ પડતાં ભેંસનું મોત પણ નીપજ્યું હતું જ્યારે બીજા દિવસે પણ બાવળા અને ધોળકામાં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ પડયો હતો જેમાં કલીકુંડ વિસ્તારમાં પાર્ક કરેલ કાર પર ઝાડ પડયું હતું.
આમ બાવળા, ધોળકામાં કાવીઠા, સાલજડા, સીધરેજ, બગોદરા, ભમાસરા, રોયકા, મેમર, શિયાળ, મુજપુર, મફલીપુર, જલાલપુર, વજીફા, સાલજડા, ખાનપુર સહિતના ગામોમાં વરસાદ પડયો હતો જ્યારે ખેડુતોમાં વરસાદથી આનંદાની લાગણી ફેલાઈ જવા પામી હતી અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવાં પામી હતી.
જ્યારે ધોળકા શહેરી વિસ્તારમાં કલીકુંડાથી અટલ સરોવર રોડ, મેનાબેન ટાવર પાસે, સરકારી દવાખાનામાં સેવા સદન કચેરી પાસે વરસાદને કારણે વૃક્ષો ધરાશયી થયાં હતાં અને વિજવાયર તુટી પડતાં રસ્તો બંધ થતાં પાલીકા તંત્ર દ્વારા વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરી હતી.