Gujarat

હળવા-મધ્યમ વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં વરસ્યા માત્ર ઝાપટાં

By GS Team
10 Jul 20202 mins read
This article was originally published on 10 Jul 2020
હળવા-મધ્યમ વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં વરસ્યા માત્ર ઝાપટાં

રાજકોટ, તા. 9 જુલાઈ 2020, ગુરૂવાર

સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર હાલ ઘટયું છે. આગામી ચાર દિવસ દરમિયાન તમામ જિલ્લાના અમુક-અમુક સ્થળો ઉપર હળવો-મધ્યમ વરસાદ થવાની આગાહી વચ્ચે આજે સૌરાષ્ટ્રના ૩૭ તાલુકા મથકે સામાન્ય વરસાદ નોંધાયો હતો, જેમાં ધ્રાંગધ્રામાં એક ઈંચ મુખ્ય હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં થાન અને સાયલામાં મામૂલી વરસાદ પડયો હતો, જ્યારે ધ્રાંગધ્રામાં બપોરે ૧૨ થી ૪ દરમિયાન ધોધમાર એક ઈંચ વરસાદ થઈ ગયો હતો. બોટાદના બરવાળામાં પણ એક ઈંચ જેટલો અને ગઢડામાં પોણો ઈંચ પાણી વરસી ગયું હતું. 

આ સપ્તાહના આરંભે જ્યાં અતિ ભારે વરસાદ પડી ગયો એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને ભાણવડમાં અનુક્રમે ૩ મિમિ અને ૬ મિમિ, ખંભાળિયામાં ઝાપટું તથા દ્વારકામાં અર્ધો ઈંચ, જામનગર શહેરમાં પણ વધુ અડધો ઈંચ અને ધ્રોલ-કાલાવડ-જામજોધપુર-જોડિયામાં હળવાં-ભારે ઝાપટાં પડયા હતા.

રાજકોટ શહેરમાં દિવસભર ધૂપછાંવ અને મેઘાડંબર વચ્ચે બપોર સુધી છૂટાછવાયા વિસ્તારોમાં સમયાંતરે ઝરમર-ઝરમર વરસાદ પડતો રહ્યો, જ્યારે જિલ્લામાં લોધિકા, ધોરાજી, ગોંડલ, જામકંડોરણા ખાતે મોરબીના હળવદમાં તેમજ અમરેલી જિલ્લાના બાબરા, જાફરાબાદ, અમરેલી, રાજુલા અને વડીયા ખાતે હળવાં-ભારે ઝાપટાં થયા હતા.

જૂનાગઢ જિલ્લામાં ગઈકાલ બપોર બાદથી મેઘરાજાએ વિરામ લીધો હતો. રાત્રીના કેશોદમાં ચાર તથા વંથલીમાં એક મી.મી. વરસાદ થયો હતો. જ્યારે આજે સવારે હળવા ઝાંપટા શરૂ થયા હતા. જેમાં કેશોદ તથા જૂનાગઢમાં પાંચ-પાંચ મી.મી., મેંદરડામાં બે મી.મી., માણાવદર, વંથલી અને વિસાવદરમાં સાત મી.મી. તેમજ માળિયાહાટીનામાં ત્રણ મી.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે ભેંસાણ, માંગરોળમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.

હવામાન વિભાગે તા.૧૦મીએ સૌરાષ્ટ્ર-કચ્છ તમામ જિલ્લામાં કેટલાંક સ્થળે તા.૧૧ થી ૧૩ સૌરાષ્ટ્રના ઘણાંખરા જિલ્લાઓમાં અમૂક સ્થળે હળવો-મધ્યમ વરસાદ થવાની આગાહી કરી છે.