દિવાળીએ દૂધરેજ વડવાળા મંદિર રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠયું
- આજે ધાર્મિક સ્થળોએ કાર્યક્રમો યોજાશે
સુરેન્દ્રનગર, તા. 15 નવેમ્બર, 2020, રવિવાર
દિવાળીનો તહેવાર એટલે આનંદ અને ઉજાસ સાથે પ્રકાશનું પર્વ આ પર્વ પર વર્ષોથી પરંપરાગત રીતે લોકો દીવડાઓ પ્રગટાવે છે તેમજ જાહેર અને ધાર્મીક સ્થળોને દિવાળી પર ભવ્ય રોશનીથી શણગારવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે કોરોનાની મહામારીના કારણે જિલ્લાના ધાર્મીક સ્થળો પર થતી ભવ્ય ઉજવણી મોકુફ રાખવામાં આવી છે પરંતુ ધાર્મીક સ્થળો પર સાદગીપૂર્ણ રીતે દિવાળી પર્વની ઉજવણી કરાશે જેમાં શહેરના દુધરેજ ખાતે આવેલ વડવાળા મંદિરને પણ ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે.
કોરોનાના કારણે શ્રધ્ધાળુઓ માટે ઓનલાઇન આરતી અન્નકૂટ અને વડવાળા દેવના દર્શનની વ્યવસ્થા
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના દુધરેજ ખાતે આવેલ વડવાળા મંદિર સમસ્ત રબારી સમાજમાં શ્રધ્ધાનું સ્થાન ધરાવે છે અને ગુરૂગાદી તરીકે રબારી સમાજ તેને માને છે. ત્યારે દર વર્ષે દિવાળીના તહેવાર પર દુધરેજ વડવાળા મંદિર ખાતે અન્નકુટ, પુજા, આરતી, મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાય છે જેમાં માત્ર ગુજરાત જ નહિં પરંતુ દેશ-વિદેશથી લોકો મોટીસંખ્યામાં દિવાળીના તહેવાર પર અહિં દર્શનાર્થે આવી ધન્યતા અનુભવે છે. ત્યારે ચાલુ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાને લઈ વડવાળા મંદિર ખાતે તમામ પ્રકારન ઉજવણી મોકુફ રાખવામાં આવી છે જ્યારે શ્રધ્ધાળુઓને અન્નકુટ, આરતી તેમજ ભગવાન વડવાળાના દર્શન માટે મંદિર દ્વારા ઓનલાઈન તેમજ સોશ્યલ મીડીયાના માધ્યમથી વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરમાં લોકોની ભીડ એકત્ર ન થાય અને કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે સૌપ્રથમ વખત વડવાળા મંદિરમાં દિવાળીની ઉજવણી અલગ પ્રકારે થઈ રહી છે. જ્યારે રાબેતા મુજબ મંદિરને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે અને મંદિરમાં જગમગાટ જોવા મળે છે જ્યારે કોરોનાની તમામ ગાઈડલાઈન માસ્ક, સેનેટાઈઝર વગેરેનું પાલન પણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે વડવાળા મંદિરના ૧૦૦૮ મહામંડલેશ્વર કનીરામદાસજી બાપુ તેમજ કોઠારી સ્વામી મુકુન્દરામદાસજી અને સેવકગણ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.