ધોળા દિવસે 5 અજાણ્યા શખ્સોએ છરી બતાવી 94 હજારની મતા લૂંટી
- બાવળા-બગોદરા હાઇ-વે પર
- કુરિયરનો સામાન લઈને જતા શખ્સને વાહનમાં ચડી ધમકાવીને તમામ મતા લૂંટી લીધો
બગોદરા, તા.23 જૂન 2020, મંગળવાર
અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે અને ગુન્હાખોરીના બનાવોએ માઝા મુકી છે ત્યારે બાવળા-બગોદરા હાઈવે પર ભમાશરા ગામ પાસે કુરીયરનો સામાન ભરીને જઈ રહેલ શખ્સને છરી બતાવી મોબાઈલ કંપનીના સીમકાર્ડ ભરેલ બોક્ષ સહિતના મુદ્દામાલની લુંટ ચલાવી પાંચ જેટલાં અજાણ્યા શખ્સો નાસી છુટયાં હતાં જે અંગે ભોગ બનનારે બગોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.
આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદી વિજયભાઈ દેવજીભાઈ સોલંકી ઉ.વ.૩૨, રહે. નાના માછીયાળા, જિ.અમરેલીવાળા ચાંગોદરથી કુરીયરનો માલ - સામાન ભરીને રાજકોટ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન બાવળા-બગોદરા હાઈવે પર ભમાસરા ગામ પાસે આવેલ એક હોટલ પાસે નંબર પ્લેટ વગરની એક કારએ પાછળથી આવી ફરિયાદીની કારને રોકી હતી અને તેમાં ત્રણ જેટલા અજાણ્યા શખ્સો બેઠા હતા જ્યારે અન્ય એક કારમાં પાંચ જેટલા અજાણ્યા શખ્સોએ આવી તે પૈકી ત્રણ શખ્સો ફરિયાદીની આઈસર ગાડીમાં ચડી છરી બતાવી હતી તેમજ આઈસરની ચાવી બંધ કરી ચાવી લઈ આઈસરની બોડીના પાછળના ભાગે દરવાજાને મારેલ તાળુ ખોલી અંદર રહેલ મોબાઈલ કંપનીના સીમકાર્ડ ભરેલ બોક્ષ નંગ-૯ કિંમત રૃા.૯૪,૫૦૦/-ની લુંટ ચલાવી નાસી છુટયા હતા. તમામ અજાણ્યા શખ્સોએ મોઢાને રૃમાલ બાંધેલો હતો અને હિન્દી ભાષા બોલતા હોવાનું જણાય આવ્યું હતું. જે અંગે ભોગ બનનારે પોલીસને જાણ કરતાં બગોદરા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને નાસી છુટેલ શખ્સોને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જ્યારે આ બનાવ અંગે ભોગ બનનારે આઠ જેટલા અજાણ્યા શખ્સો સામે બગોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.